સાયબર ક્રાઇમના વધતા જતા ગ્રાફ વચ્ચે અમરેલી સાયબર ક્રાઇમ ટીમને એક મોટી સફળતા મળી છે. રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી આચરતી ગેંગના એક મુખ્ય સાગરીત અને વ્યવસાયે વકીલાત કરતા રાજસ્થાનના ઇસમને પોલીસે ઝડપી પાડ્‌યો હતો. પકડાયેલા આરોપીના બેંક ખાતામાં માત્ર બે જ દિવસની અંદર અંદાજે રૂપિયા ૪ કરોડ જેટલી માતબર રકમના શંકાસ્પદ ટ્રાન્જેક્શન મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ભોગબનાર ફરિયાદના પણ રૂ. ૧૦,૭૭,૪૦૦ ટ્રાન્સફર કરી લીધા હતા.તપાસમાં સામે આવ્યું કે, ભોગ બનનાર વ્યક્તિને એક ચોક્કસ વેબસાઇટ પર યુએસડીટી (ક્રિપ્ટો કરન્સી) નું રોકાણ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે તેવી લાલચ આપીને અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. ૯૨,૭૫,૫૧૪ પડાવી લેવાયા હતા. આ છેતરપિંડીના નાણાં જે ખાતામાં ટ્રાન્સફર થયા હતા તેની ઝીણવટભરી તપાસ કરતા ‘નવી ઉડાન ગ્લોબલ ફાઉન્ડેશન’ નામનું એક કરંટ એકાઉન્ટ મળી આવ્યું હતું. આ ખાતાના પ્રોપરાઇટર અને મૂળ રાજસ્થાનના વકીલ ગણપત બાબુલાલ પટેલ (ઉંમર વર્ષ ૩૧)ની વિગતો મેળવી પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીના ખાતાઓ વિરૂધ્ધ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિર્પોટિંગ પોર્ટલ (NCCRP)) પર દેશભરમાંથી કુલ ૨૦ જેટલી ફરિયાદો નોંધાયેલી છે અને તે અગાઉ વર્ષ ૨૦૨૫માં અમદાવાદ સાયબર ક્રાઇમમાં પણ પકડાઈ ચૂક્યો છે. આ સફળ ઓપરેશન અમરેલી સાયબર ક્રાઇમના પી.આઈ. કે.એલ. ખટાણા અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.