અમરેલી જિલ્લામાં ગંભીર અને જટિલ રોગોની સારવાર માટે સ્થાનિક સ્તરે જ વધુ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે. ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા કેન્સર, નેફ્રોલોજી અને યુરોલોજી વિભાગમાં તબક્કાવાર નવી સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. હોસ્પિટલના કેન્સર વિભાગમાં અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર માટે અગાઉ દર્દીઓને મોટા શહેરોમાં જવું પડતું હતું. હવે અમરેલીમાં જ નિદાનથી સારવાર અને જરૂરી સર્જિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ સાથે કિડનીના દર્દીઓ માટે પણ સારવારની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં નવી ડાયાલિસિસ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કિડની સંબંધિત રોગો માટે નિષ્ણાત અભિપ્રાય અને માર્ગદર્શન આપવા નેફ્રોલોજિસ્ટ ડા. હર્ષ પટેલ (MBBS,MD,DrNB)ની સેવા ઉપલબ્ધ રહેશે.દરમિયાન, યુરોલોજી ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સેવા શરૂ થવા જઈ રહી છે. હોસ્પિટલમાં ટૂંક સમયમાં નિઃશુલ્ક યુરોલોજી સર્જરી સેવા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. તેમાં મુખ્યત્વે કિડનીની પથરી અને પ્રોસ્ટેટ સહિતની જરૂરી સર્જરીનો સમાવેશ થશે. આ સુવિધા શરૂ થયા બાદ અમરેલી અને આસપાસના જરૂરિયાતમંદ દર્દીઓને સર્જરી માટે અન્ય શહેરોમાં જવાની મુશ્કેલીમાં ઘટાડો થઈ શકે છે. જિલ્લા કક્ષાએ ગંભીર રોગોની વિશેષ સારવાર માટે વધતી આ સુવિધાઓ સ્થાનિક આરોગ્ય વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ બની રહી છે.








































