મહીસાગર જિલ્લા માં ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપોની વણઝાર ચાલુ છે. અગાઉ એલઈડી અને ટાઈમર સ્વીચ કૌભાંડ બાદ હવે સ્વિમિંગ પુલની કામગીરીમાં બારોબાર ૪૦ લાખથી વધુના ચુકવણાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ મામલે પાલિકાના પ્રમુખ કિર્તી પટેલ વિરુદ્ધ ભાજપના જ અગિયાર સભ્યોએ ચીફ ઓફિસરને પુરાવા સાથે લેખિત રજૂઆત કરતાં પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.સભ્યોની રજૂઆત મુજબ, અંદાજે ૧.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ જર્જરિત સ્વિમિંગ પુલ ચાલુ કરવાના નામે માત્ર પાઈપો અને નાની મોટરો નાખવાના બહાને ‘શ્રીજી કન્સ્ટ્રક્શન’ના નામે પ્રમુખ દ્વારા ૪૦,૬૯,૦૫૭/-ની રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી છે.પ્રમુખ જ્યારે કોંગ્રેસમાં હતા, ત્યારે પણ ટાઉન હોલ બનાવવાના નામે ખાડો ખોદીને ૪૬ લાખ ઉપાડ્યા હતા, જેના પગલે તત્કાલીન પ્રમુખને સસ્પેન્ડ કરી ૪૬ લાખની રિકવરીના આદેશ કરાયા હતા.સ્વિમિંગ પુલના ૪૦ લાખ ઉપરાંત એલ.ઈ.ડી.માં ૧૫ લાખ, ટાઈમર સ્વીચમાં ૩૨ લાખ સહિત બીજા અનેક કામોમાં કરોડોના ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ છે.રજૂઆત કરનારા ભાજપના સભ્યોએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ પ્રમુખના ભ્રષ્ટાચારમાં સામેલ નથી અને આ ચુકવણાઓથી બિલકુલ અજાણ છે. ભવિષ્યમાં તેમના પર પણ રિકવરી આવે તેવા ડરથી તેમણે ચીફ ઓફિસરને બારોબાર થયેલા ૪૦ લાખના ચુકવણાની તાત્કાલિક તપાસ કરી જવાબદાર પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી છે.આ આંતરિક વિખવાદમાં ભાજપના સભ્યોને વિરોધ પક્ષના નેતાએ પણ સાથ આપવાની જાહેરાત કરતાં લુણાવાડા પાલિકામાં રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે. હવે આ મામલે ભાજપ મોવડી મંડળના નિર્ણય પર સૌની નજર ટકેલી છે. આગામી સમયમાં પાલિકામાં નવાજૂની થવાના સ્પષ્ટ અેંધાણ વર્તાઇ રહ્યા છે.મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ભાજપ શાસિત નગર પાલિકાના અંદર રાજકીય ગરમાવો જાવા મળી રહ્યો છે. ભાજપના જ કેટલાક કોર્પોરેટરો દ્વારા નગર પાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ આક્ષેપોને લઈ નગર પાલિકાના પ્રમુખ કીર્તિ પટેલે સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો છે કે આ બધા આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને માત્ર રાજકીય લાભ મેળવવા માટે તથા પ્રમુખ પદ મેળવવાની ઉતાવળમાં કેટલાક કોર્પોરેટરો દ્વારા ખોટા પ્રચાર કરવામાં આવી રહ્યા છે.પ્રમુખ કીર્તિ પટેલે જણાવ્યું હતું કે પાલિકાના કાર્યો સંપૂર્ણપણે પારદર્શક રીતે કરવામાં આવી રહ્યા છે. પાલિકાના કોઈપણ કામમાં ભ્રષ્ટાચાર થયો નથી. છતાં પણ, પારદર્શિતા જળવાય તે માટે તેમણે જાતે જ કરવામાં આવેલા તમામ વિકાસ કાર્યોની વિજિલન્સ તપાસ કરવાની માંગ સાથે તકેદારી આયોગને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે નગર પાલિકાને ખોટી રીતે બદનામ કરવા માટે કેટલીક તાકતો દ્વારા જુદી જુદી અફવાઓ અને આક્ષેપો ફેલાવવામાં આવી રહ્યા છે.કીર્તિ પટેલે જણાવ્યું કે ભાજપ શાસિત નગર પાલિકાને બદનામ કરવા માટે ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. વિકાસના કાર્યો અટકાવી શહેરના હિતને નુકસાન પહોંચાડવા પ્રયાસ થઈ રહ્યો છે. કેટલાક મહત્વાકાંક્ષી કોર્પોરેટરો પાલિકાના પ્રમુખ બનવાના સપના જાતા રાજકીય હેરાનગતિ અને આંતરિક મતભેદો ઊભા કરી રહ્યા છે. પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ અને પ્રભારીને લેખિત રજૂઆત કરીને સંપૂર્ણ વિગત આપી છે. રજૂઆતમાં જણાવાયું છે કે તમામ કામોની ચુકવણી નિયમ અનુસાર કરવામાં આવી છે, દરેક ફાઈલ અને દસ્તાવેજ તપાસ માટે ઉપલબ્ધ છે. છતાં પણ ખોટી રીતે પ્રમુખ અને નગર પાલિકાને બદનામ કરવાનો પ્રયાસ રાજકીય સ્વાર્થથી પ્રેરિત છે. વધુ માં કીર્તિ પટેલે જણાવ્યું કે, “મારા ઉપર કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે. હું જાતે જ તપાસ માટે તૈયાર છું. શહેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છું. પરંતુ કેટલાક તત્વો શહેરના વિકાસ કાર્યોમાં રોડા નાખી લોકોમાં ભ્રમ ફેલાવવા પ્રયત્ન કરી રહ્યા છેજ્યારે નગરના સ્થાનિક લોકો પાસે મીડિયા પહોંચી ત્યારે નગરના લોકો દ્વારા હાલના નગરપાલિકા પ્રમુખ દ્વારા સારી કામગીરી કરી રહ્યા છે લાઈટ. પાણી. રોડ રસ્તા. જીવન જરૂરિયાત બાબતો પર તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે છે તેવું જણાવી રહ્યા હતા અને જરૂર પડે ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળ ને અમે લોકો રજૂઆત કરીશું કે હાલના નગર સેવાસદન ના પ્રમુખ લુણાવાડા નગર માટે સારી કામગીરી કરી રહયા છે.








































