લીલીયા તાલુકામાં મોડી રાત્રે ઇન્ચાર્જ મામલતદાર આશિષ ગોસાઈની આગેવાની હેઠળ રેતી ચોરી કરતા તત્વો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પુતળિયા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને લઈ જતા પાંચ ડમ્પરોને ઝડપી લેવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરની સૂચના બાદ ખાણ-ખનીજ વિભાગ, વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં સતત મળતી રેતી ચોરીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કેટલાક શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ડમ્પરોનો પીછો કરીને તેમને કબજે લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ રેતી ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.






































