મધ્યપ્રદેશના રીવામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ડાકુઓએ એક ન્યાયાધીશ પાસેથી ૫૦૦ કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. ખંડણી માંગવા માટે એક પત્ર લખીને ન્યાયાધીશને મોકલવામાં આવ્યો છે. જા ખંડણીની રકમ ચૂકવવામાં નહીં આવે તો ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપવામાં આવી છે. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધમકીભર્યો પત્ર રીવામાં ટ્યોન્થર કોર્ટમાં તૈનાત ફર્સ્ટ સિવિલ જજ મોહિની ભદોરિયાને મોકલવામાં આવ્યો છે. પત્ર મોકલનાર વ્યક્તિએ પોતાને કુખ્યાત ડાકુ ગેંગસ્ટર હનુમાન ગેંગનો સભ્ય ગણાવ્યો છે.આ ધમકીભર્યો પત્ર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો હતો. પત્રમાં એક ભયાનક ચેતવણી લખવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે જા તમે જીવતા રહેવા માંગતા હો, તો તમારે પૈસા ચૂકવવા પડશે. આ સાથે, આદેશ આપવામાં આવ્યો હતો કે ૧ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭ઃ૪૫ વાગ્યે પૈસા ઉત્તર પ્રદેશના બડગઢ જંગલમાં પહોંચાડવામાં આવે, નહીં તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડશે.ધમકીભર્યો પત્ર મળતાની સાથે જ ન્યાયાધીશ ભદૌરિયાએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી. રીવાના પોલીસ અધિક્ષક વિવેક સિંહે તાત્કાલિક એક વિશેષ તપાસ ટીમ બનાવી અને ટીમને ઉત્તર પ્રદેશ મોકલી. એસપી સિંહે એનડીટીવીને જણાવ્યું કે માનનીય ન્યાયાધીશને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ૫ અબજની ધમકી આપતો પત્ર મળ્યો છે. પત્રના આધારે એક ટીમ બનાવવામાં આવી છે, એક ટીમ યુપી પણ મોકલવામાં આવી છે. એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં સફળતા મળવાની અપેક્ષા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પત્ર પ્રયાગરાજથી મોકલવામાં આવ્યો હતો અને તેના પર હનુમાન ગેંગનું નામ લેવામાં આવ્યું હતું, તે જ ગેંગ જે એક સમયે મધ્ય ભારતમાં આતંકનો પર્યાય હતી. તપાસમાં, આરોપી પ્રયાગરાજ જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જેને પકડવા માટે પોલીસ ટીમ ઉત્તર પ્રદેશ રવાના થઈ ગઈ છે.આ કેસ સોહાગી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરહદ પર સ્થિતિ છે. આ ધમકીભર્યા પત્રથી માત્ર ન્યાયિક વ્યવસ્થામાં જ નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થા સાથે સંબંધિત તમામ વર્તુળોમાં ચિંતા વધી છે. રેવામાં ન્યાયાધીશો અને કોર્ટ પરિસરની સુરક્ષા કડક કરવામાં આવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૮ (૪) હેઠળ આ મામલે ઔપચારિક રીતે કેસ નોંધવામાં આવ્યો છે.










































