ગયા વર્ષે બાંગ્લાદેશમાં થયેલા વિરોધ પ્રદર્શનોની યાદો હજુ પણ તાજી છે. તે વિરોધ પ્રદર્શનોને કારણે, વડા પ્રધાન શેખ હસીનાને માત્ર પોતાની ખુરશી છોડવી પડી ન હતી, પરંતુ પોતાનો જીવ બચાવવા માટે ભારતમાં આશરો લેવો પડ્યો હતો. બાંગ્લાદેશમાં લાગેલી આગ હજુ ઠંડી પણ નહોતી પડી કે ઇન્ડોનેશિયા પણ આવા જ વિરોધ પ્રદર્શનોની ઝપેટમાં આવી ગયું છે. છેલ્લા એક અઠવાડિયાથી ઇન્ડોનેશિયામાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ દેશને હચમચાવી નાખ્યો છે. આ વિરોધ પ્રદર્શનોમાં ઓછામાં ઓછા ૮ લોકો માર્યા ગયા છે, સેંકડો ઘાયલ થયા છે, અને સરકારી ઇમારતોને આગ લગાવી દેવામાં આવી છે અને લૂંટ ચલાવવામાં આવી છે.
૨૫ ઓગસ્ટના રોજ જકાર્તામાં સંસદની બહાર પ્રદર્શન શરૂ થયું હતું, જ્યારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમનો ગુસ્સો સાંસદોને આપવામાં આવતા ભારે આવાસ ભથ્થા સામે હતો, જે જકાર્તામાં લઘુત્તમ વેતન કરતા લગભગ ૧૦ ગણો વધારે છે. એક સાંસદને દર મહિને ૧૦ કરોડ રૂપિયા (લગભગ ૬૧૫૦ ડોલર અથવા ૫.૫ લાખ ભારતીય રૂપિયા) સુધીનું ભથ્થું મળતું હતું, જેના કારણે લોકોમાં ગુસ્સો ફેલાયો હતો. આ ઉપરાંત, શિક્ષણ, આરોગ્ય અને જાહેર કાર્યોમાં કાપ જેવી રાષ્ટ્રપતિ પ્રબોવોની કડક આર્થિક નીતિઓએ પણ લોકોના ગુસ્સાને વેગ આપ્યો હતો.
પ્રદર્શનો કહે છે કે પ્રબોવોની સરકારમાં સેનાની દખલગીરી નાગરિક જીવનમાં વધી રહી છે, જે ચિંતાનો વિષય છે. ૨૮ ઓગસ્ટના રોજ જકાર્તામાં ૨૧ વર્ષીય ડિલિવરી ડ્રાઇવરનું મૃત્યુ થયું ત્યારે પ્રદર્શનો વધુ હિંસક બન્યા. એક વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે એક ખાસ પોલીસ ટુકડીએ તેના સશસ્ત્ર વાહનથી પ્રદર્શનકારીઓમાં રહેલા એક ડ્રાઇવરને કચડી નાખ્યો હતો. આ ઘટનાએ લોકોના ગુસ્સાને વધુ વેગ આપ્યો. આ પછી, વિરોધ જકાર્તાથી સુલાવેસી, જાવા, સુમાત્રા અને બોર્નિયો જેવા ટાપુઓ સુધી ફેલાઈ ગયો. ગોરોન્ટાલો, બાંદુંગ, પાલેમ્બાંગ, બંજારમાસીન, યોગ્યાકાર્તા અને મકાસર જેવા શહેરોમાં સરકારી ઇમારતો અને પોલીસ મુખ્યાલયોને આગ લગાવી દેવામાં આવી. શુક્રવારે મકાસરમાં એક સરકારી ઇમારતમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા. તે જ દિવસે, એક અન્ય વ્યક્તિને ટોળાએ માર માર્યો, કારણ કે તેને ગુપ્તચર અધિકારી સમજીને હત્યા કરવામાં આવી. યોગ્યાકાર્તામાં પોલીસ અને વિરોધીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક વિદ્યાર્થીનું મોત થયું. સોલો શહેરમાં ટીયર ગેસના સંપર્કમાં આવતા ૬૦ વર્ષીય રિક્ષા ચાલક બીમાર પડ્યો, અને બાદમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. નાણામંત્રી શ્રી મુલ્યાની ઇન્દ્રવતીનું ઘર લૂંટાઈ ગયું, જાકે તે સમયે તે ઘરે નહોતા. ઘણા સાંસદોના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટના અહેવાલો પણ છે.
ઇન્ડોનેશિયામાં આ વિરોધ પ્રદર્શન ઓલ ઇન્ડોનેશિયન સ્ટુડન્ટ્સ એક્ઝિક્યુટિવ બોડી જેવા વિદ્યાર્થી સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આ આંદોલન બેકાબૂ બની ગયું છે. કોઈ મુખ્ય નેતૃત્વ દેખાતું નથી કે જેના ઇશારે વિરોધીઓ ચાલી રહ્યા છે. કેટલાક વિરોધીઓ પોલીસ કાર્યવાહી સામે ગુસ્સે છે, જ્યારે કેટલાક તેમના સ્થાનિક મુદ્દાઓને લઈને રસ્તાઓ પર છે. ઇન્ડોનેશિયાની ૨૮ કરોડ વસ્તીમાંથી મોટાભાગની વસ્તી લઘુત્તમ વેતન પર જીવે છે. જકાર્તાના ગવર્નર પ્રમોનો અનુંગના જણાવ્યા અનુસાર, વિરોધીઓએ બસો, મેટ્રો અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું, જેના કારણે ૫૫ અબજ રૂપિયા (લગભગ ઇં૩.૩ મિલિયન)નું નુકસાન થયું.







































