બગસરાના જેતપુર રોડ પર સરાણીયા અને લુહારિયા જ્ઞાતિના જરૂરિયાતમંદ પરિવારો માટે ૧૦૪ આવાસ બનાવવામાં આવ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટર અને તંત્રની ઘોર બેદરકારીને કારણે અહીં ભૂગર્ભ ગટર જમીનની અંદર બનાવવાને બદલે લોકોના ઘરના દરવાજાની બિલકુલ સામે જ તેના ઊંચા ટેકરા અને કૂવા ઊભા કરી દેવાયા છે. આ અણઆવડતભરી કામગીરીને લીધે ગરીબ લાભાર્થીઓ માટે પોતાના જ ઘરમાં પ્રવેશ કરવો મુશ્કેલ બન્યો છે. ઘરવખરીનો સામાન કે વાહનો લાવવામાં મોટી આફત ઊભી થઈ છે, તેમજ રાત્રે બાળકો અને વૃદ્ધોના અકસ્માતનો ભય રહે છે. ભવિષ્યમાં અહીં રસ્તા બનાવવા પણ અશક્ય બનશે. જાગૃત નાગરિકો આ નબળા કામની તપાસ કરી, જવાબદારો સામે પગલાં લેવા અને ગટરનું તાત્કાલિક લેવલિંગ કરી કાયમી ઉકેલ લાવવા માંગ કરી રહ્યા છે, અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે.







































