ધારીના જળજીવડી ગામે જમીનમાં નહીં આવવા દઈ ગાળો બોલી ધમકી આપી પુરુષને મરવા મજબૂર કરનારા પાંચ લોકો સામે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી.કિશોરભાઈ ઠાકરશીભાઈ સાવલીયા (ઉ.વ.૫૬)એ પ્રાગજીભાઇ વાઘજીભાઇ ફીણવીયા, વશરામભાઇ વાઘજીભાઇ ફીણવીયા, વાલજીભાઇ વાઘજીભાઇ ફીણવીયા, ગૌતમભાઇ પ્રાગજીભાઇ ફીણવીયા તથા પ્રવિણભાઇ વશરામભાઇ ફીણવીયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેમના ભાઇ મરણજનાર ભીમજીભાઇ ઠાકરશીભાઇ સાવલીયા (રહે. જળજીવડી, તા. ધારી)ની ગામની સીમમાં આવેલી ૧૫ વીઘા જમીનમાંથી આરોપીઓ “દોઢ વીઘા જમીન અમારી નીકળે છે” તેમ કહી ખેતરમાં પીંઢુ ખોડી દીધું હતું. તેઓ ભીમજીભાઈને જમીનમાં નહીં આવવા દઈ અવારનવાર ગાળો આપી, મારી નાખવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા હતા. આ ત્રાસથી કંટાળી જઈ ભીમજીભાઇ સાવલીયાએ પોતાના મકાનના ધાબા પરથી પડતું મૂક્યું હતું. માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ કે. બી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.