ધારી શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસીઓ તથા ગ્રાહકોને શધ્ધ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટોની મુલાકાત લઈ ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોના પાલનની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન પટેલ ડાઈનિંગ હોટલ, શ્રધ્ધા હોટલ, બ્રહ્મ ભોજનાલય, એસ.એસ. ફેન્સી ઢોસા અને અમીરસ રેસ્ટોરન્ટ સહિત કુલ પાંચ ખાણીપીણી એકમોની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ તૈયાર ખાદ્ય પદાર્થો તેમજ કાચા માલની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે વિગતવાર નિરીક્ષણ કર્યું હતું.આ કામગીરી દરમિયાન તૈયાર શાકભાજી, સાંભાર, ચટણી અને પનીર સહિત કુલ ૧૬ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કરી રાજ્યની માન્ય લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પરીક્ષણના અહેવાલના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમન નિયમોનું પાલન થાય તે માટે સંચાલકોને સ્વચ્છતા જાળવવા તથા ગુણવત્તાયુક્ત કાચા માલનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી વર્તુળ દ્વારા જણાવાયું છે.