દામનગરમાં એક વકીલને ગાળો આપી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે ભાવનગરમાં રહી વકીલાતનો વ્યવસાય કરતા સંજયભાઈ હમીરભાઈ પડાયા (ઉં.વ.૩૨)એ બાબુભાઈ મગનભાઈ ભાસ્કર તથા રમેશભાઈ મગનભાઈ ભાસ્કર સામે દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તેઓ પોતાની દીકરી બિરવા (ઉં.વ. ૬)ને અમરેલી ડિસ્ટ્રિક્ટ ફેમિલી કોર્ટના વચગાળાના હુકમ મુજબ રમાડવા માટે તેડવા આવ્યા હતા. તે દરમિયાન તેમની દીકરીએ જણાવ્યું હતું કે, “મારી મમ્મી ઘરે નથી અને મને તમારી સાથે આવવાનું કહ્યું નથી, જેથી મારે નથી આવવું.” આથી તેમણે સાક્ષીને ફોન કરી વાત કરી હતી. ત્યારબાદ બંને આરોપીઓને ફોન કરીને આ અંગે
કહેતાં તેમને સારું નહોતું લાગ્યું અને તેમણે ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. એ. રોજીયા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.