આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ઉત્તર ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યો સહિત દેશના ઘણા વિસ્તારોમાં ઘણી તબાહી મચાવી છે. પરંતુ આ સિઝનમાં, દેશભરમાં સરેરાશથી વધુ વરસાદે ખરીફ પાકોના વાવેતર પર સારી અસર કરી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, આ ચોમાસા દરમિયાન દેશમાં મહત્વપૂર્ણ ખરીફ પાકોના વાવેતરમાં વધારો નોંધવામાં આવ્યો છે.
કૃષિ મંત્રાલયના તાજેતરના “ઓલ ઈન્ડિયા પ્રોગ્રેસિવ ક્રોપ એરિયા સોન રિપોર્ટ – ખરીફ વીકલી એરિયા કવરેજ” મુજબ, ૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં, દેશમાં મહત્વપૂર્ણ ખરીફ પાકનું કુલ વાવેતર ૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ ની સરખામણીમાં વધીને ૨૬.૯૩ લાખ હેક્ટર થયું છે.
અહેવાલ મુજબ, ૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ દેશમાં ખરીફ પાકનો કુલ વાવેતર વિસ્તાર ૧૦૭૮.૪૯ લાખ હેક્ટર હતો, જે ૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ વધીને ૧૧૦૫.૪૨ લાખ હેક્ટર થયો છે. સૌથી મહત્વની વાત એ છે કે ૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં, ચોખાનું વાવેતર ૧૯.૬૩ લાખ હેક્ટર વધ્યું છે.
દેશમાં ચોખાના પાકનો વાવેતર વિસ્તાર ૫ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ ૪૧૮.૬૬ લાખ હેક્ટર હતો, જે ૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ૧૯.૬૩ લાખ હેક્ટર વધીને ૪૩૮.૨૮ લાખ હેક્ટર થયો છે.
સરકાર દેશના ખેડૂતોને એમએસપી વધારીને કઠોળ પાકનું વાવેતર વધારવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. તેની અસર ચોમાસાની ઋતુ દરમિયાન કઠોળ પાકના વાવેતર પર દેખાય છે. કૃષિ વિભાગના અહેવાલ મુજબ, આ વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં કઠોળનું વાવેતર પણ ૧.૯૪ લાખ હેક્ટર વધ્યું છે.
સપ્ટેમ્બર ૨૦૨૪ માં વિવિધ કઠોળ પાકનો કુલ વાવેતર વિસ્તાર ૧૧૪.૪૬ હેક્ટર હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૫ માં વધીને ૧૧૬.૪૦ લાખ હેક્ટર થયો છે. ચોખા પછી, બરછટ અનાજના વાવેતરમાં સૌથી વધુ વધારો નોંધવામાં આવ્યો છે.
૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ બરછટ અનાજ પાકનો વાવેતર વિસ્તાર ૧૭૯.૬૨ હેક્ટર હતો. જે ૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ ૧૨.૦૯ લાખ હેક્ટર વધીને ૧૯૧.૭૧ લાખ હેક્ટર થયો. આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસાએ સામાન્ય તારીખથી ૯ દિવસ પહેલા ૨૯ જૂને સમગ્ર દેશને આવરી લીધો હતો. જ્યારે સામાન્ય રીતે ચોમાસું ૮ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે.





































