ઉના તાલુકાના સનખડા ગામની સીમશાળા નંબર-૨માં લાખો રૂપિયાના ખર્ચે નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું હોવા  છતાં શાળામાં હાલ તાળા લાગેલા છે. સરકારનો હેતુ વાડી વિસ્તારના બાળકોને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો હતો, પરંતુ હાલમાં એક પણ વિદ્યાર્થી અહીં અભ્યાસ કરતો નથી. નોંધાયેલા ૭ વિદ્યાર્થીઓ ગામની કુમાર અને કન્યા શાળામાં ભણવા જાય છે. વાલીઓના જણાવ્યા મુજબ શાળામાં પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. મળતું પાણી પણ ખારું હોવાનું જણાવાયું છે. વાલીઓએ કેટલાક શિક્ષકો દારૂનું સેવન કરીને શાળાએ આવતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. તાલુકા શિક્ષણાધિકારીએ આ બાબતનો સ્વીકાર કરતાં જણાવ્યું કે સંબંધિત શિક્ષકોની બદલી કરવામાં આવી છે. વાલીઓએ શાળા ફરી શરૂ કરવા અને યોગ્ય શિક્ષકોની નિમણૂંક કરવાની માંગ કરી છે.