લાઠી રોડ પર આવેલી ગુલાબ પાર્ક સોસાયટીમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની લાઈનમાં ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું છે. આજરોજ જ્યારે નગરપાલિકા દ્વારા પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું, ત્યારે ઘરોમાં અતિશય દુર્ગંધમારતું અને ગંદુ પાણી આવતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.સ્થાનિક મહિલાઓ અને સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે સમયસર તમામ વેરા ભરીએ છીએ, છતાં આપણને ઝેરી સમાન પાણી પીવા મજબૂર થવું પડે છે.” સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં નિષ્ક્રિય તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.દૂષિત પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ગંદકી અને દુર્ગંધથી કંટાળેલા સ્થાનિકો હવે ત્રાહીમામ પુકારી ઊઠ્‌યા છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક લાઈન રિપેર કરી શુદ્ધ પાણી આપવામાં નહીં આવે, તો રહીશોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.