ઉનાના સનખડા ગામે લૂણશાપુરીયા દાદાના સાનિધ્યમાં કારતક વદ પાંચમના દિવસે પરંપરાગત ખીચડી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૮ વર્ષથી ચાલતી આ વ્યવસ્થા ગામની ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાનું ઉદાહરણ છે. આ આયોજનની મુખ્ય વિશેષતા એ રહી કે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ગામના લોકોએ એક જ પંગતમાં બેસીને પ્રસાદી ગ્રહણ કરી હતી. સાથે બેસીને ભોજન કરવાની આ પ્રથા ધાર્મિક વિધિની સાથે સમાજમાં ભાઈચારો અને સમાનતાનો સંદેશ આપે છે. મહાપ્રસાદ તૈયાર બનાવવા માટે ૨૪ મણ ઘઉંનો લોટ, ૧૪ મણ ચોખા અને ૪૫૦ લીટર દૂધ સહિત કઢી માટેની જરૂરી સામગ્રી લોક સહયોગથી એકત્ર કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાપ્રસાદનો લાભ લેવા પહોંચ્યા હતા. ભક્તોની માન્યતા અનુસાર કારતક વદ પાંચમના દિવસે લૂણશાપુરીયા દાદાએ અનેક પરચા આપ્યા છે. દાદાની હાજરી અંગેની શ્રધ્ધાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવે છે.