ઉના તાલુકાના નેસડા ગામે ગત ૨૧ નવેમ્બરની રાત્રે જૂની અદાવતમાં એક પરિવાર પર થયેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મનુભાઈ ખસીયાનું ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે.
પોલીસ ફરિયાદ મુજબ, ત્રણ મોટરસાઇકલ પર આવેલા છ શખ્સોએ ધર્મેશભાઈ ખસીયા અને તેમના પરિવાર પર ધારિયાં, કુહાડી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં જગદીશ ઉર્ફે જગોએ મનુભાઈના માથામાં ધારિયાનો ઘા ઝીંક્યો હતો, જ્યારે બચાવવા વચ્ચે પડેલા તેમના પુત્રો ધર્મેશભાઈ અને વિક્રમભાઈને પણ માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ હુમલા પાછળ સાત મહિના પૂર્વે થયેલી મંછુબેન ગોહિલની હત્યા કેસની અદાવત કારણભૂત હોવાનું જણાવાયું છે. આ કેસમાં ધર્મેશભાઈનો પરિવાર સાક્ષી હોવાથી અને આરોપીના જામીન રદ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરાઈ હોવાનો ખાર રાખી હુમલો કરાયો હતો. હાલ ઉના પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.







































