ગોંડલ શહેરની નાની બજાર સ્થિત ચુનારા શેરીમાં મહાવીર ટ્રેડર્સ નામે તેલ અને બેસનનો હોલસેલ વેપાર કરતા ૬૧ વર્ષીય ભરતસિંહ નાનભા ડાભીની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. તેઓ છેલ્લા ૩૦થી ૩૫ વર્ષથી વેપાર કરતા હતા. રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેતાં પડોશીઓએ તપાસ કરતાં વેપારી લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા. તેમનું સ્પ્લેન્ડર બાઈક પણ ગાયબ હોવાથી લૂંટની આશંકા વ્યક્ત થઈ રહી છે. બનાવની જાણ થતાં રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો. ડોગ સ્ક્વોડ, એફએસએલ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે.









































