ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં બગદાણા નજીક આવેલા કળમોદર ગામે કપાસની વાડીમાં ગાંજાની ખેતી કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વધુ નાણાં કમાવવાની લાલચમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં કપાસના પાકની વચ્ચે ગાંજાના છોડ ઉગાડ્‌યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડીને ગાંજાની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી અંદાજે ૫૦ લાખ રૂપિયાથી વધુ કિંમતના ગાંજાના ૧૬૧ છોડ કબજે કર્યા હતા અને ખેડૂત ઘોહારામ ભમ્મરની ધરપકડ કરી હતી. ખેતરમાંથી ૧૦૦ કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસની ટીમે કળમોદર ગામની વાડીમાં તપાસ કરતાં કપાસના પાકની આડમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે આરોપી સામે એનડીએપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે જણાવ્યું હતું કે ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અને ડ્રગ્સ ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર અને ખેતી સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડ્રગ્સ સંબંધિત કુલ ૩૫ કેસ નોંધાયા છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં જ બે કેસ નોંધાયા છે.ડ્રગ્સ વિરોધી ઝુંબેશને વધુ વેગ આપવા એસઓજી, એલસીબી, એનડબ્લ્યુ અને સ્થાનિક પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ સઘન કાર્યવાહી કરવામાં આવશે. શંકાસ્પદ વિસ્તારો પર નજર રાખવા ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. આનાથી નશીલા પદાર્થોની ગેરકાયદે
પ્રવૃત્તિઓ શોધવામાં મદદ મળશે.