ધોરાજીમાં ઐતિહાસિક ધરોહર સમાન ગોંડલ બાપુના સમયના એન્ટિક અને નગરપાલિકા સંચાલિત ત્રણ દરવાજાના ઉપરના ભાગે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં આસપાસના લોકોમાં આશ્ચર્ય સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઇટરને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.







































