સરખેજમાં બંગલાના ભોયરામાં ધમધમતી એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયા બાદ તપાસનો રેલો હવે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. ડ્રગ્સ બનાવવામાં વપરાતા કેમિકલની ખરીદી પાછળ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ કેમિકલ એન્જિનનિયરિંગમાં પીએચડીનો અભ્યાસ કરતો વિદ્યાર્થી સામેલ હોવાનું સામે આવ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અમરાઈવાડીમાં રહેતા હર્ષિલ પરીખની ધરપકડ કરી છે. તપાસમાં હર્ષિલ મુખ્ય આરોપી મુદ્દસર પઠાણને એમડી ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ ખરીદી આપતો હોવાની વિગતો સામે આવી છે.
એનસીબીએ સરખેજની લેબેક પાર્ક સોસાયટીમાં આવેલા એક બંગલાના ભોયરામાંથી એમડી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ફેક્ટરીનો પર્દાફાશ થયા બાદ તપાસ એજન્સીએ ડ્રગ્સ બનાવવા માટે વપરાતા કેમિકલના સપ્લાયર્સ અને તેની ખરીદી સાથે સંકળાયેલા લોકોની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મુખ્ય આરોપી મુદ્દસર પઠાણ અને જીટીયુમાં કેમિકલ એન્જિનનિયરિંગમાં પીએચડી કરતા હર્ષિલ પરીખ વચ્ચેના સંપર્કો અને નાણાકીય વ્યવહારોની વિગતો સામે આવી હતી. તપાસમાં સામે આવેલી વિગતો પ્રમાણે હર્ષિલની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મુદ્દસરે અગાઉ તેને એકાદ-બે વખત નાણાકીય મદદ પણ કરી હતી. આ ઓળખાણ બાદ હર્ષિલ મુદ્દસરને ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ ખરીદી આપતો હોવાની વિગતો બહાર આવી છે.
હવે એનસીબીએ દિશામાં તપાસ કરી રહી છે કે, હર્ષિલ પ્રતિબંધિત કેમિકલ ક્યાંથી ખરીદતો હતો અને આ ખરીદી પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નાણાકીય મદદગારની ભૂમિકા હતી કે કેમ? હર્ષિલે અત્યાર સુધીમાં કેટલું કેમિકલ ખરીદ્યું હતું અને તે કોને સપ્લાય કર્યું હતું તેની વિગતો પણ મેળવવામાં આવી રહી છે. ગુજરાતના હાઇવે પર પ્રતિબંધિત કેમિકલની ચોરી સાથે આ નેટવર્કના તાર જાડાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
આ સમગ્ર મામલે એનસીબના ઝોનલ ડિરેક્ટર ઘનશ્યામ સોનીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરખેજ એમડી ડ્રગ્સ ફેક્ટરી કેસમાં તપાસ દરમિયાન જીટીયુમાં કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરતા હર્ષિલ પરીખની સંડોવણી સામે આવી છે. તે મુખ્ય આરોપી મુદ્દસર પઠાણને કેમિકલ ખરીદી આપવામાં મદદ કરતો હતો. તપાસ એજન્સી હવે કેમિકલની ખરીદીના †ોત, સપ્લાય ચેઇન અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.રાજસ્થાનના અખ્તર અને જુનેદ બાદ હર્ષિલ પરીખની ધરપકડ થતાં આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓ ઝડપાયા છે. હવે તપાસનો મુખ્ય સવાલ એ છે કે સરખેજના એક બંગલાના ભોયરામાં શરૂ થયેલી એમડી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરી પાછળ કેમિકલની ખરીદીથી લઈને સપ્લાય સુધીનું નેટવર્ક કેટલું વિસ્તરેલું છે અને તેમાં હજુ કેટલા લોકોની સંડોવણી સામે આવે છે.









































