ગુજરાત એટીએસને વડોદરામાં મોટી સફળતા મળી છે. વડોદરાના એરફોર્સ સ્ટેશન પર મોટા હુમલાના કાવતરા સાથે ગુજરાતમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી મોહમ્મદ શેહરુલ ઈસ્લામને એકે-૪૭ રાઈફલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી હુમલો કર્યા બાદ પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતો, તેવો ખુલાસો થયો છે. ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપી વિરુદ્ધ યુએપીએ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.
ગુજરાત એટીએસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આતંકીનો મુખ્ય નિશાન વડોદરા એરફોર્સ સ્ટેશન હતો અને તે આગામી એક-બે દિવસમાં ઓટોમેટિક વેપનથી ફાયરિંગ કરવાની ફિરાકમાં હતો. આ હુમલા માટે એક ટીમ પણ તૈયાર કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે ઝડપાયેલા આરોપીએ વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટ પાસે જઈને રેકી કરી હતી, તેમજ તેના ફોટો અને વીડિયો પણ ઉતાર્યા હતા, જે તેના મોબાઈલમાંથી મળી આવ્યા છે.
ગુજરાત એટીએસએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આરોપીએ દાહોદ નજીકથી ‘ડેડ ડ્રોપ’ પદ્ધતિથી એકે-૪૭ રાઈફલ મેળવી હતી. તેની પાસેથી બે ખાલી મેગેઝિન, ૨૩ જીવતા કારતૂસ, ઓટોમેટિક હથિયાર અને ઝંડો કબજે કરવામાં આવ્યા છે. મહત્વની વાવ એ છે કે આતંકીએ બંદૂક ચલાવવાની કોઈ પ્રેક્ટીકલ તાલીમ લીધી નહોતી, પરંતુ સોશિયલ મીડિયા પર મોકલવામાં આવેલા ફાયરિંગના વીડિયો જોઈને તેણે હથિયાર ચલાવવાનું શીખ્યું હતું.
ગુજરાત એટીએસે આપેલી માહિતીના આઘધારે મૂળ આસામના કરીમગંજ જિલ્લાનો રહેવાસી મોહમ્મદ શેહરુલ ઈસ્લામ કટ્ટર વિચારધારા ધરાવે છે અને તેણે મદ્રાસમાં અભ્યાસ કર્યો છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી તે મુફ્તી અબ્દુલ નામના પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હતો. બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા વાતચીત કરતા હતા. એટલું જ નહીં, જાણવા એનું પણ મળી રહ્યું છે કે આતંકીને નવો મોબાઈલ ખરીદવા અને અન્ય ખર્ચાઓ માટે હેન્ડલરે તેના ખાતામાં ઓનલાઈન ૫૦,૦૦૦ રૂપિયા મોકલ્યા હતા. આરોપીના મોબાઈલમાંથી હથિયાર ચલાવવા સંબંધિત પુરાવા અને જૈશ-એ-મોહમ્મદનું સાહિત્ય પણ મળી આવ્યું છે.
ગુજરાત એટીએસે બાતમીના આધારે ઝડપાયેલા આરોપી વિશે જાણવા મળ્યું છે કે આરોપી આસામથી ભોપાલ અને ત્યાંથી બસ-ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યો હતો. વડોદરામાં તે રેલવે સ્ટેશન નજીક આવેલી ‘હોટલ મિલન’ માં અસલ ઓળખપત્રો સાથે રોકાયો હતો. જોકે, એટીએસની ટીમ હોટલ પર પહોંચે તે પહેલાં જ તે ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેનો કાયમી નંબર બંધ થઈ જતાં એટીએસએ અન્ય નંબરના આધારે તેને ટ્રેસ કર્યો હતો. દાહોદથી વડોદરા પરત ફરી રહ્યો હતો ત્યારે પંચમહાલના હાલોલ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો.
હાલ એટીએસ દ્વારા આરોપીને આર્થિક મદદ ક્યાંથી અને કેવી રીતે મળી તેમજ તેને કોઈ સ્થાનિક સપોર્ટ મળ્યો છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, આરોપીના ઘરની તપાસ કરવા માટે ગુજરાત એટીએસની એક ટીમ આસામ પણ પહોંચી છે.







































