અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ગત રાત્રે બાઈક અને ફોર-વ્હીલર કાર વચ્ચે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મળતી વિગતો અનુસાર, ગત રાત્રિના સમયે જાફરાબાદ શહેર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક બાઈક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક રાહુલ નયનભાઈ બારીયાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મૃતક યુવકના દેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ જાફરાબાદ ટાઉન પોલીસ અને મરીન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




































