બાબરા શહેરમાં નગરપાલિકાની કરોડોની કિંમતી જમીનો પર ગેરકાયદેસર દબાણો થયાના આક્ષેપો ઉઠ્‌યા છે. શહેરના નાના બસ સ્ટેન્ડથી નવી નગરપાલિકા કચેરી, તાલુકા પંચાયત અને કૃષ્ણનગર સોસાયટી સુધીના વિસ્તારોમાં રોડ ટચ જાહેર જમીનો પર રાજકીય વગના જોરે કેબિનો, લારીઓ અને ધાબાઓ ખડકાયા હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ દબાણોને કારણે જાહેર રસ્તાઓ અને વાહનવ્યવહારને મુશ્કેલી પડતી હોવાના પણ આક્ષેપો છે. આ મામલે સામાજિક કાર્યકરે જિલ્લા કલેક્ટર, નગરપાલિકા સહિત ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરી છે. રજૂઆતમાં નગરપાલિકાની માલિકીની જમીનોની સત્તાવાર માપણી અને રેકોર્ડ મુજબ સર્વે કરાવી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરાઈ છે. રાજકીય ભેદભાવ વગર કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને દબાણો સામે ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જાહેર મિલકતોને દબાણમુક્ત કરાવવા નાગરિકોમાં માંગ ઉઠી છે.