રાજસ્થાનમાં પંચાયત ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો વચ્ચે, મુખ્યમંત્રી પરિવર્તન અંગેની અટકળોએ પણ જોર પકડ્યું છે. આની શરૂઆત કેબિનેટ મંત્રી ડા. કિરોડી લાલ મીણાના નિવેદનથી થઈ હતી. તેમણે મુખ્યમંત્રી પરિવર્તન પછી હરિયાણામાં ભાજપની ચૂંટણીમાં મળેલી જીતનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી રાજસ્થાનમાં પણ નેતૃત્વ પરિવર્તન અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. હવે, નિવેદનને લગતા વિવાદ વધ્યા પછી, કિરોડી લાલે સ્પષ્ટતા કરી છે કે આગામી વિધાનસભા ચૂંટણીઓ મુખ્યમંત્રી ભજન લાલ શર્માના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે.
કૃષિ મંત્રીએ પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે ભજન લાલ શર્માની સરકાર રાજસ્થાનમાં સારું પ્રદર્શન કરી રહી છે અને તેમના નેતૃત્વમાં ભાજપ ફરીથી પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે. તેમના નિવેદનને મુખ્યમંત્રી પરિવર્તન અંગેની અટકળોનો અંત લાવવાના પ્રયાસ તરીકે જાવામાં આવી રહ્યું છે.પંચાયત ચૂંટણીમાં ભાજપની હાર બાદ, કોંગ્રેસે પરિણામોને ૨૦૨૮ ની વિધાનસભા ચૂંટણી માટે એક અગ્ની પરીક્ષા ગણાવી. આનો જવાબ આપતા, કિરોડી લાલ મીણાએ હરિયાણાનું ઉદાહરણ આપ્યું.
તેમણે કહ્યું કે કોંગ્રેસ હરિયાણામાં સરકાર બનાવવાની આશા રાખતી હતી, પરંતુ ભાજપે મનોહર લાલ ખટ્ટરને હટાવીને નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા. ત્યારબાદ, પાર્ટી ફરીથી વિધાનસભા ચૂંટણી જીતવામાં સફળ રહી.
કિરોડીના નિવેદન બાદ, રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી પરિવર્તનની શક્યતા અંગે રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ. તેમના નિવેદનને પંચાયત ચૂંટણીમાં હાર બાદ ભાજપના નેતૃત્વ અને સરકારની કામગીરી પર પ્રશ્નાર્થ તરીકે પણ જોવામાં આવ્યું.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે, કિરોડી લાલ મીણાએ ભાજપ રાજ્ય કાર્યાલય ખાતે પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહાસચિવ સાથે મુલાકાત કરી. આ બેઠક દરમિયાન, પંચાયત ચૂંટણીના પરિણામો અને પાર્ટીના પ્રદર્શન પર ચર્ચા કરવામાં આવી. મીડિયા સાથેની વાતચીતમાં, તેમણે પંચાયત ચૂંટણીમાં હારનો સ્વીકાર કર્યો અને કોંગ્રેસના દાવાને ફગાવી દીધો કે આ પરિણામો ૨૦૨૮ ની વિધાનસભા ચૂંટણી માટે લિટમસ ટેસ્ટ છે.કિરોડીએ સ્પષ્ટતા કરી કે હરિયાણાને ઉદાહરણ તરીકે આપવા પાછળનો તેમનો હેતુ રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તનની માંગ કરવાનો નહોતો. તેમણે કહ્યું કે ભજનલાલ શર્માના નેતૃત્વ હેઠળની સરકાર સારી કામગીરી કરી રહી છે અને ભાજપ તેમના નેતૃત્વ હેઠળ આગામી વિધાનસભા ચૂંટણી લડશે.
પંચાયત ચૂંટણીના પરિણામો પછી, ભાજપ સંગઠન અને સરકારના પ્રદર્શન પર મંથન કરવાનો પડકારનો સામનો કરી રહી છે. આ રાજકીય વાતાવરણમાં, કિરોડી લાલ મીણાના નિવેદનથી નેતૃત્વ પરિવર્તનની ચર્ચાને નવી ગતિ મળી છે.