જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રબારીકા ગામે ખેડૂત પર સિંહણના જીવલેણ હુમલાની ઘટના બાદ વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. આજે ગીર પશ્ચિમ વન વિભાગના વિસાવદર રેન્જ વિસ્તારમાં આવેલા ફુલઝર નદીના કિનારે સિંહણને પાંજરામાં પૂરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં રબારીકા ગામમાં પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહેલા ૫૫ વર્ષીય ખેડૂત પર અચાનક સિંહણે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો હતો. સિંહણ પકડાતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.






































