લીલીયા મોટા રેલવે સ્ટેશનનાં વિકાસકાર્યો, ખર્ચ અને કામોની ગુણવત્તા અંગે વિગતો મેળવવા લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીતિનભાઈ આર. ત્રિવેદીએ માહિતી અધિકાર હેઠળ અરજી કરી છે. તેમણે ભાવનગરના ડિવિઝનલ રેલવે મેનેજર અને મુંબઈના જનરલ મેનેજરને અરજી મોકલી છે. જેમાં ગત વર્ષે પ્લેટફોર્મના બાંધકામ પાછળ થયેલા ખર્ચ, ચાલુ વર્ષે પ્રથમ વખત થયેલા રિપેરિંગ કામના ખર્ચ તેમજ પ્લેટફોર્મની લંબાઈ વધારવા પાછળ થયેલા ખર્ચની વિગતો માગવામાં આવી છે. ઉપરાંત કામોની નબળી ગુણવત્તા અંગે તપાસ થઈ છે કે નહીં, તપાસનાં પરિણામો અને જવાબદારો સામે લેવાયેલા પગલાંની માહિતી પણ માગી છે. ત્રિવેદીએ જણાવ્યું હતું કે આરટીઆઈ દ્વારા સત્તાવાર વિગતો મળ્યા બાદ મુસાફરોની સુવિધા અને રેલવેના કામોમાં પારદર્શિતા માટે વધુ રજૂઆત કરવામાં આવશે.