ગાંધીનગરમાં જનતાના કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલું કોલવડા તળાવ તંત્રની બેદરકારીને કારણે એક જ વર્ષમાં બિસ્માર હાલતમાં પહોંચી ગયું છે. અંદાજે ૮.૪૭ કરોડના ખર્ચે તૈયાર કરાયેલું ‘અમૃત સરોવર’ અને ‘ઓકસિજન પાર્ક’ હવે યોગ્ય જાળવણીના અભાવે પોતાની સુંદરતા ગુમાવી રહ્યાં છે. વર્ષ ૨૦૨૫માં તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં વૃક્ષો સુકાઈ રહ્યાં છે, જ્યારે તળાવમાં લીલના થર અને કિનારે જંગલી ઘાસ ઊગી નીકળ્યાં છે.
૧.૧૦ લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં ૪૧,૩૦૧ ચોરસ મીટર વિસ્તારમાં મિયાંવાંકી પદ્ધતિથી આશરે ૩૦ હજાર દેશી વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. તેમાં બદામ, વડ, પીપળો, આંબો, આમળાં, જાંબુ અને જામફળ સહિતની વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જાકે, નિયમિત પાણી અને માવજતના અભાવે અનેક વૃક્ષો સુકાવા લાગ્યાં છે. પરિણામે હરિયાળી વિકસાવવાનો હેતુ જ નિષ્ફળ જતો જાવા મળી રહ્યો છે.
૧૮૨.૫ મિલિયન લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ તળાવની હાલત પણ કથળી છે. સફાઈના અભાવે પાણીમાં ઠેર-ઠેર લીલના જાડા થર જામ્યા છે. જ્યારે કિનારે જંગલી ઘાસ અને ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યાં છે. પાણીની ગુણવત્તા સુધારવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જળચર છોડ વાવવાની યોજનાઓ પણ અધૂરી રહી હોવાની સ્થિતિ છે. આના કારણે અહીં આવતા સહેલાણીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક સમયે મોર, પોપટ, કોયલ, ટીટોડી, બતક અને ઘર ચકલીઓના કલરવથી ગુંજતું આ સ્થળ હવે ગંદકી અને જંગલી વનસ્પતિથી ઘેરાઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ પરિસરમાં જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે.
કોલવડા, રાંધેજા અને ગાંધીનગરના ૧૦ હજારથી વધુ લોકો માટે આ સ્થળ પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવ્યું હતું. જાકે, હાલની સ્થિતિને કારણે પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે નારાજગી છે. તળાવની તાત્કાલિક સફાઈ, વૃક્ષોની માવજત અને નિયમિત જાળવણી શરૂ કરવામાં નહીં આવે તો કરોડોના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ વધુ બિસ્માર બની શકે છે.







































