મુંબઈની સેશન્સ કોર્ટે એક મહિલાને ઇસ્લામ ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરવાના આરોપમાં ૨૬ વર્ષીય પુરુષને આગોતરા જામીન આપ્યા. મહારાષ્ટ્ર ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ, ૨૦૨૬ હેઠળ શહેરમાં આ પહેલો કેસ છે. કોર્ટે નોંધ્યું હતું કે આ દંપતીએ સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ હેઠળ લગ્ન કર્યા હતા, અને આ તબક્કે કોઈ પુરાવા નથી કે કોઈ ‘નિકાહ’ થયા છે. સેશન્સ જજ પીએ સાનેએ જણાવ્યું હતું કે જામીન અરજીના આ તબક્કે નિકાહ આમંત્રણ કાર્ડમાં ‘આયેશા’ તરીકે ઉલ્લેખ કરાયેલી મહિલા અને બુરખા પહેરેલા તેના ફોટોગ્રાફ્સ એ સાબિત કરવા માટે પૂરતા નથી કે તેણીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે.
જજે એ પણ નિર્દેશ કર્યો કે કથિત રીતે નિકાહ કરાવનાર મૌલવીના રજિસ્ટરમાં તે પુરુષ વિશે કોઈ નોંધ નહોતી. પોલીસે તપાસ દરમિયાન તે રજિસ્ટર જપ્ત કર્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે બંને પુખ્ત વયના હતા, કોવિડ-૧૯ રોગચાળાથી સંબંધમાં હતા, અને લગ્ન રજિસ્ટ્રારને પહેલાથી જ જાણ કરી દીધી હતી. મહિલાએ ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ એક પ્રમાણપત્ર રજૂ કર્યું હતું જે દર્શાવે છે કે તેમના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલા છે.કોર્ટે કહ્યું કે આ તબક્કે કસ્ટોડિયલ પૂછપરછની કોઈ જરૂર નથી. કોર્ટે કહ્યું કે જા પુરુષ વિરુદ્ધ કોઈ પુરાવા મળે તો તપાસ અધિકારી તેના જામીન રદ કરવાની માંગ કરી શકે છે.
૨૬ વર્ષીય મોહમ્મદ ફૈઝ ખાન મુંબઈમાં ચાની દુકાન ચલાવે છે. કોવિડ દરમિયાન તેમની મુલાકાત ૨૨ વર્ષીય શ્રાવણી રાણે સાથે થઈ હતી. લાંબા સમય સુધી પ્રેમ સંબંધ રહ્યા બાદ, ગયા મહિને ૧૬ ઓક્ટોબરે તેમના લગ્ન થયા. શ્રાવણીની માતાએ તેમના પર બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો હતો. જાકે, પોલીસ આ આરોપ સાબિત કરી શકી ન હતી અને નિકાહ થયા હોવાના કોઈ પુરાવા પણ શોધી શકી ન હતી, જેના કારણે એડિશનલ સેશન્સ જજ પી.એ. સાનેએ તેમને જામીન આપ્યા.
શ્રાવણીની માતાના વકીલ, જેમણે મોહમ્મદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, તેમણે લગ્નના આમંત્રણ કાર્ડ પર “આયેશા” નામ તરફ ધ્યાન દોર્યું. તેમણે બુરખો પહેરેલી મહિલાનો ફોટો પણ રજૂ કર્યો અને દાવો કર્યો કે તે શ્રાવણી છે. જાકે, કોર્ટે ચુકાદો આપ્યો કે નિકાહ થયાના કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા ન હોવાથી, ફક્ત નામ અને ફોટોગ્રાફનો ઉપયોગ કન્યાનું ધર્માંતરણ થયું હોવાનું તારણ કાઢવા માટે થઈ શકે નહીં. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોર્ટે શ્રાવણીને વ્યક્તિગત રીતે સાંભળ્યું હતું. તેણીએ કહ્યું કે તેણીએ પોતાની મરજીથી મોહમ્મદ સાથે લગ્ન કર્યા હતા અને મોહમ્મદના આગોતરા જામીન સામે કોઈ વાંધો નથી.મેઘવાડી પોલીસે મહારાષ્ટ્રના ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધ્યો. ચાની દુકાન ચલાવતા મલિક મોહમ્મદ ફૈઝ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મલિક મોહમ્મદ ફૈઝ મુંબઈમાં પહેલા વ્યક્તિ હતા જેમની સામે આ કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.






































