‘એ..એ..આવો, અભણ અમથાલાલ આવો. નવાં વરહમાં તમારું /હૌનુ સ્વાગત છે.’
બનેવીલાલે અમથાલાલ અને સૌને આવકાર્યા.
બેરાલાલ ઊંચુ હાંભળે. એને થયું ‘બનેવી આખાં ગામનો છે. અને આવકાર આપે છે, માત્ર અમથાલાલને!? આ અમારું અપમાન કેવાય.’
‘બનેવીલાલ! અમે હું માણહ નથી? અમારું નામ કેમ નો લીધું!?’
‘તમને ઓછું હંભળાય છે, ને એટલે..!! અને આજકાલ નામ લેવામાં ‘ય વાંધો છે.
પણ..! અમથાલાલ તમે હું કે’ તાં તાં..?’
‘મારે તમને જગતના તાતની વાત કરવી છે. જગતનો તાત ધારે તો હું નું હું કરી હકે છે. ઈ કેવું છે.’
બેરાલાલે વચ્ચે જ વાતને કાપી..
‘તમને ખબર છે? હમણાં જ દિલ્હીમાં દસ લાખ લોકો ભેગાં થયાં હતાં. આ વાત હાચી હશે?’
બેરાલાલ! માણસો દસ લાખ હોય કે દસ હજાર!! પણ, એનું પરિણામ શું આવ્યું? અને એમાં એકેય ખેડૂત હતો? અને એનાથી ખેડૂતને હું મળ્યું? હૌએ હવ હવના રોટલા શેક્યા.’
અમથાલાલે મૂળ વાત કરી.
‘ઈ બચાડો ક્યાંથી હોય? ઈ તો પલળી ગયેલો ચારો ભેગો કરવામાં પડયો છે. અને એને બચાડાને દિલ્હીની હોટલમાં કોણ રોકાવા કે!? ’
‘છતાંય મારે જગતનાં તાતની વાત કરવી છે.’
‘હા પણ, દિલ્હીનું હું થયું? ઈ તો જરા પ્રકાશ પાડો!
શેનાં માટે ભેગાં થયાં હતાં? પરિણામ મળ્યું કે નહીં?
કે પછી, આંધળો બેરૂં કુટે છે!??’
બેરાલાલના મગજમાં દિલ્હી ઘૂમતું હતું.
‘વિરોધ તો ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો કરવાનો હતો. પણ વારે વારે..જીભ ઉપર નામ બીજાનાં આવી જાતાં હતાં. આવાં સમયમાં બોલવાં વાળાં તો ગુંચવાયા જ . પણ હાંભળવા વાળા વધારે ચકરાવે ચડ્‌યાં. કે આપણે અહીં આવ્યાં છીએ શા માટે? હોટલમાં ખાવાં? એ.સી. રૂમમાં રે વાં ? કે રામલીલા મેદાનમાં હાજરી પુરાવવા??
બેરાલાલ! આતો હંધાયને મામા બનાવવાનો ધંધો છે. બાકી હંધાયને ખબર છે કે, આવી રીતે જ્ઞાનેશ કુમારની ખુરશી હલે એમ નથી.’
‘તો પછી..આવડો મોટો ખરસો કરવાની હું જરૂર પડી? ખેડૂતોને મોળું વરહ છે. થોડાં થોડાં એને આપી દીધાં હોય તો..!! બચાડા છોકરાવ હારું ફટાકડાં લેત.’
‘એને તો સરકાર આપશે ને..!! અને નહીં આપે તો..વળી પાછાં ક્યાંક ભેગાં કરીશું. આજ તો એનું કામ છે. અને આવું કરવાનાં જ પૈસા મળે છે.
પણ..! આજે નવાં વરહમા મળ્યાં છીએ.. પ્રથમવાર ભેગાં થયાં છીએ..તો હારી વાત કરવી છે. જગતનાં તાતની વાત કરવી છે. જગતનો તાત ધારે તો હું નું હું કરી હકે છે..’
‘ઓ..ઓ.. હોં..! એવી તે વળી હું વાત છે? કહો તમ તમારે અમને ‘ય પોરહ ચડે.’
‘વાત છે, મહારાષ્ટ્રનાં અહમદનગર હવે (અહિલ્યાનગર) જિલ્લાની. ‘હિવારે’ નામનું નાનકડું ગામ. ખડકાળ જમીન, વરસે ૨૦૦/૩૦૦ મી.મી. વરસાદ પડે. ૮૦ ટકા ગામ લોકો હીજરત કરીને કમાવા નીકળી પડે.
૧૯૯૦ મા પોપટરાવ પવાર ખેડૂત પુત્ર યાને જગતનો તાત સરપંચ બન્યો. ‘એમને થયું આ ખોટું છે. આપણું ગામ મૂકીને આપણે બીજે કામ માટે જોવું પડે? ’
‘ના..ના..ના. આ ખોટું જ છે.’ એમણે ગ્રામ સભા બોલાવી. અને ગામની કાયા કલ્પનો સંકલ્પ લીધો.
જ્યાં પાણીની વાંકે ભયંકર દુષ્કાળ પડતો.
ત્યાં પ્રથમ બે વાત હાથ ધરી. ‘જળ વ્યવસ્થાપન’ અને ‘ગ્રામિણ વિકાસ.’
વ્રુક્ષો કાપવા નહીં, નશાબંધી, સિગારેટ, તમાકું, ગુટખા અને સોપારીની સખત મનાઈ.
વ્યસનખોરીમાથી માણસ ઉપર આવ્યો. એટલે દર અઠવાડિયે સાથે મળીને શ્રમદાન થવા લાગ્યું.
વધું પાણી વાપરતાં પાકો શેરડી અને કેળ ઉપર પ્રતિબંધ મૂકયો. સરવાળે ગામનાં ૪૦૦ કૂવાઓનું પાણી ઉપર આવ્યું.
રોકડીયા અને વધું ઉપજ આપતાં પાકો જેવાકે ડુંગળી, નારંગી, જામફળ,અંજીર અને ડ્રેગન ફ્રૂટ વાવીને નફાકારક ખેતી બનાવી.
ખેતી નહોંતી એમણે પશુપાલન તરફ વાળ્યો.’
બેરાલાલે અર્ધું ફરધુ જ હાંભળ્યું.
‘તે..એ.. એમાં નવાઈ શું કરી? આપણે ત્યાં ‘ય ખેડૂતો આવુ જ કંઈક કરે છે. હવે મોટું નવીન કાંઈક છે?’
‘ધીરાં ખમો.. ધીરાં ખમો. ‘ધિરજના ફળ મીઠાં.’
આજે આ ગામ રોજનું ૮૦૦૦ થી ૯૦૦૦ લીટર દૂધ ભરે છે.એના રૂપિયા ૫,૪૦,૦૦૦/- રોજનાં હાથમાં આવે છે. આ ગામની વાર્ષિક માથાદીઠ આવક અધધ ૯,૦૦,૦૦૦/- નવ લાખ છે. જે સમગ્ર વિશ્વમાં લગભગ ક્યાંય નથી. (ભારતમાં હાલમાં વાર્ષિક માથાદીઠ આવક ૨,૦૮,૦૦૦/-અને ગુજરાતમાં વાર્ષિક માથાદીઠ આવક ૩,૫૭,૦૦૦/- છે.)આવી આવકનાં હિસાબે ‘હિવારે’ ગામનાં ખેડૂતો બેંકોને લોન આપે છે. (આપણાંથી ઉલટું )આખાં વિશ્વને અચરજ થયું કે, આખરે આવું થયું કેમ!??
જગતનો તાત ધારે તો શું કરી શકે એનો જીવતો જાગતો દાખલો.
તો..ઓ..! આપણે પણ કંઈક આવું કરી શકાય એવું વિચારીશું તો આપણાં નૂતન વર્ષાભિનંદન થશે.
સૌને નવું વર્ષ લાભદાયી નિવડે…!!

kalubhaibhad123@gmail.com