દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ૬, ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત સત્તાવાર નિવાસસ્થાન ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. ભાજપે અરવિંદ કેજરીવાલ અને તેમની સરકાર પર આ બંગલાના શણગાર પર અતિશય ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનને ‘શીશ મહેલ’ ગણાવ્યું હતું. ભાજપે તેને રાજકીય મુદ્દો પણ બનાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણી રેલીઓમાં તેને ઉઠાવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો.
દિલ્હીના જાહેર બાંધકામ મંત્રી પ્રવેશ વર્માએ મંગળવારે જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલના કાર્યકાળ દરમિયાન બનેલો શીશ મહેલ હવે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. આવતા અઠવાડિયાથી લોકો ઓનલાઈન ટિકિટ ખરીદીને તેની મુલાકાત લઈ શકે છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલે ફક્ત એક જ ઓરડો બનાવ્યો હતો, જ્યાં તેમણે સાદી ખુરશીઓ લગાવી હતી અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને શહીદ-એ-આઝમ ભગતસિંહના ચિત્રો મુક્યા હતા. તેમણે આ રૂમમાં મીડિયા અને જનતા સાથે મુલાકાત કરી હતી, જ્યારે બાકીના રૂમમાં રંગ બદલતી ઓટોમેટિક લાઇટ્સ, કરોડોના પડદા અને વિયેતનામી ટાઇલ્સ લગાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ બધું મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ચૂંટણી દરમિયાન મોટા બંગલા અને ગાડીઓની શપથ લીધી હતી. વર્માએ આ બંગલાના જાહેર સભા ખંડમાં મૂકવામાં આવેલી ખુરશી પણ બતાવી. તેમણે કહ્યું કે આ સામાન્ય ખુરશીઓ રાખવાનો હેતુ લોકોને આ બંગલાની ભવ્યતાનો અહેસાસ ન થાય તે માટે હતો.
ગયા વર્ષે મુખ્યમંત્રી બન્યા પછી, રેખા ગુપ્તાએ ૬, ફ્લેગ સ્ટાફ રોડ પર રહેવાનો ઇનકાર કર્યો હતો. તેઓ લગભગ ૧૦૦ દિવસ શાલીમાર બાગમાં રહ્યા હતા. બાદમાં, સિવિલ લાઇન્સમાં રાજ નિવાસ માર્ગ પર સ્થિત બંગલા નંબર ૧/૮ અને ૨/૮ ને મુખ્યમંત્રી નિવાસ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બે બંગલાને મુખ્યમંત્રી નિવાસસ્થાન બનાવવા માટે જાડવામાં આવ્યા હતા. તેમનો બંગલો તેમના વિધાનસભા મતવિસ્તારની નજીક આવેલો છે.
ભાજપ સરકારે ૨૦૨૬-૨૭ના બજેટમાં ‘દિલ્હી સદન’ના નિર્માણ માટે ?૧૦ કરોડની પ્રારંભિક જાગવાઈ કરી હતી. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં કહ્યું હતું કે, “દિલ્હીમાં ઉત્તર પ્રદેશ ભવન, રાજસ્થાન સદન અને મહારાષ્ટÙ સદન છે.” પરંતુ શું એ વિડંબના નથી કે જે દિલ્હીની જમીન પર આ બધું બનેલું છે તેનું પોતાનું ઘર નથી? હવે, દિલ્હીવાસીઓ અને મુલાકાતીઓની પોતાની ઓળખ હશે.”
દિલ્હી સરકારનો સિક્સ ફ્લેગ સ્ટાફ રોડ પરનો પીડબ્લ્યુડી બંગલો ૨૦૧૫ માં કેજરીવાલને ફાળવવામાં આવ્યો હતો. કેજરીવાલ મુખ્યમંત્રી તરીકેના તેમના ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન સિવિલ લાઇન્સમાં આ જ બંગલામાં રહેતા હતા. ભાજપે તેમના ફર્નિચરને રાજકીય મુદ્દો બનાવ્યો હતો. ૨૩ માર્ચે, રેખા ગુપ્તા સરકારની રચના પછી યોજાયેલા વિધાનસભાના પ્રથમ બજેટ સત્ર દરમિયાન, મુખ્યમંત્રીએ કેગ રિપોર્ટ રજૂ કર્યો. આ મુજબ, આપ સરકાર દરમિયાન સિક્સ ફ્લેગ સ્ટાફ રોડના સમારકામ પર ૩૩.૬૬ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ અંદાજિત ખર્ચ કરતા ૩૪૨ ટકા વધુ હતું. રિપોર્ટમાં જણાવાયું છે કે ૩૩.૬૬ કરોડમાંથી, ૧૮.૮૮ કરોડ સુશોભન પર ખર્ચવામાં આવ્યા હતા. આ મામલો એટલો મહત્વપૂર્ણ હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેને મુદ્દો બનાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો કારણ કે તેમની પાસે કેજરીવાલને વ્યÂક્તગત રીતે બદનામ કરવા માટે બીજું કંઈ નહોતું. તેમણે દલીલ કરી હતી કે બંગલો કેજરીવાલની “વ્યÂક્તગત” મિલકત નથી, કારણ કે તે ભવિષ્યમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરીકે અન્ય લોકોને ફાળવવામાં આવશે.






































