અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયાની વચ્ચે આવેલા શિયાળબેટ ટાપુના માછીમારો માટે ગુજરાત સરકાર દ્વારા વિકાસની મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. શિયાળબેટ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ મત્સ્ય ઉતરાણ કેન્દ્ર (ફિશ લેન્ડિંગ સેન્ટર) વિકસાવવાના પ્રસ્તાવને ગુજરાત કેબિનેટ દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી શિયાળબેટ સહિત રાજુલા-જાફરાબાદ પંથકના માછીમારોમાં આનંદની લાગણી પ્રસરી છે. વર્ષોથી માછીમારોને સતાવતી મુશ્કેલીઓ દૂર કરવાની દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થવાની આશા છે.શિયાળબેટના માછીમારોની વર્ષો જૂની સમસ્યાઓ અને માળખાકીય સુવિધાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જિગ્નેશભાઈ પટેલ તેમજ ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પરિણામે ફિશ લેન્ડિંગ સેન્ટરનો પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો હતો. આખરે કેબિનેટની સૈધ્ધાંતિક મંજૂરી મળતાં સ્થાનિક આગેવાનોના પ્રયાસોને સફળતા મળી છે.આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મત્સ્યોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમભાઈ સોલંકી સહિત ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
શિયાળબેટની કુલ વસ્તી આશરે ૨,૬૮૦ જેટલી છે, જેમાં ૧,૧૦૦થી વધુ સક્રિય માછીમારો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીં આશરે ૧૫૪ માછીમારીની બોટો કાર્યરત છે અને વાર્ષિક અંદાજે ૪,૬૧૧ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થાય છે.દરિયાની વચ્ચે આવેલા આ ટાપુને જમીનમાર્ગે સીધું જોડાણ ન હોવાથી માછીમારોને માછલી ઉતારવા, તેનો સંગ્રહ કરવા, હરાજી કરવા અને પરિવહન કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પૂરતી માળખાકીય સુવિધાઓના અભાવે માછીમારોને આર્થિક નુકસાન પણ વેઠવું પડતું હતું.હવે આધુનિક મત્સ્ય ઉતરાણ કેન્દ્ર વિકસાવવાની કામગીરી સાકાર થતાં માછીમારોને એક જ સ્થળે માછલીનું હેન્ડલિંગ, સંગ્રહ, હરાજી, સંરક્ષણ અને પરિવહન જેવી સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પાઇલ જેટી, રીક્લેમેશન, સ્ટોન બન્ડ, પેવર બ્લોકથી તૈયાર થતી સપાટી તેમજ વીજળી જેવી જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની યોજના છે.આ કેન્દ્ર કાર્યરત થતાં માછલીનો બગાડ અટકાવવામાં મદદ મળશે અને માછીમારોને પોતાની પેદાશનું યોગ્ય મૂલ્ય મેળવવાની તક મળશે. સાથે જ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે અને શિયાળબેટનો મત્સ્યઉદ્યોગ વધુ આધુનિક તથા વ્યવસ્થિત બનશે. પરિણામે માછીમારોની આર્થિક સ્થિતિ મજબૂત બનવાની સાથે સમગ્ર વિસ્તારના વિકાસને પણ વેગ મળશે. કેબિનેટની સૈધ્ધાંતિક મંજૂરીના સમાચાર મળતાં જાફરાબાદ તાલુકાના ભાજપના આગેવાનો અને શિયાળબેટ બોટ એસોસિએશન દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ, જિલ્લા પંચાયત પ્રતિનિધિ કરશનભાઈ ભીલ, તાલુકા પ્રમુખ પ્રતિનિધિ ધનસુખભાઈ ડાબી તેમજ શિયાળબેટ બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ બારીયા અને ઉપપ્રમુખ દિનેશભાઈ બારીયાએ આ નિર્ણયને માછીમારોના હિતમાં ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. તમામ આગેવાનોએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા માછીમારોના પ્રશ્નોને સરકાર સમક્ષ મજબૂત રીતે રજૂ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ મુખ્યમંત્રી સહિત સમગ્ર રાજ્ય સરકારનો આભાર માની જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ સાકાર થતાં શિયાળબેટના માછીમારોને વર્ષોથી પડતી મુશ્કેલીઓમાંથી મોટી રાહત મળશે. સ્થાનિક સ્તરેથી શરૂ થયેલી રજૂઆત ગાંધીનગર સુધી પહોંચતાં હવે શિયાળબેટના મત્સ્યઉદ્યોગ અને માછીમાર પરિવારોના ઉજ્જવળ ભવિષ્ય માટે વિકાસની નવી આશા જાગી છે.







































