અમદાવાદના રામોલ વિસ્તારમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા સહિત ત્રણ અજાણ્યા શખ્સોએ ૬૩ વર્ષીય વૃદ્ધાને રોકડ રકમની લાલચ આપીને તેમની પાસેથી દોઢ તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા. ઠગોએ રૂમાલમાં રૂ. ૨થી ૨.૫૦ લાખ હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો, પરંતુ વૃદ્ધાએ રૂમાલ ખોલીને જાયું ત્યારે તેમાંથી રોકડને બદલે કાગળના ટુકડા નીકળ્યા હતા. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.વ†ાલ રોડ પર આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતાં ૬૩ વર્ષીય નિર્મલાબેન મનોહરભાઈ પાટીલ નાના બાળકોને તેલ માલિશ કરવાનું કામ કરે છે. ૨૮ ઓક્ટોબરે તેઓ કામ અર્થે રિક્ષામાંથી નિરાંત ચાર રસ્તા પાસે ઉતરીને ચાલતાં જઈ રહ્યાં હતાં. આ દરમિયાન એક અજાણ્યો પુરુષ, મહિલા અને એક છોકરો તેમની પાસે આવ્યા હતા. તેમણે એટીએમ વિશે પૂછવાના બહાને વૃદ્ધાને વાતોમાં પરોવી હતી અને ત્યારબાદ પાર્ક કરેલાં વાહનોની આડમાં લઈ ગયા હતા.
ત્રણેય શખ્સોએ વૃદ્ધાને વિશ્વાસમાં લેવા માટે એક યુક્તિ અપનાવી હતી. મહિલાએ પોતાની પાસે મોટી રોકડ રકમ હોવાનું જણાવ્યું હતું અને આટલા બધા રૂપિયા સાથે રાખવા જાખમી હોવાનું કહ્યું હતું. તેની સાથે રહેલા છોકરાએ રૂમાલમાં બાંધેલું બંડલ બતાવ્યું હતું અને તેમાંથી રૂ. ૫૦૦ની એક નોટ કાઢીને વૃદ્ધાને વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ મહિલાએ વૃદ્ધાને તેમના સોનાના દાગીના આપવાના બદલામાં રૂમાલમાં રહેલા રૂ. ૨થી ૨.૫૦ લાખ આપવાની લાલચ આપી હતી.
અજાણ્યા શખ્સોની વાતોમાં આવી જઈને નિર્મલાબેને પોતાના ગળામાં પહેરેલું કાળા મોતીનું મંગળસૂત્ર, જેમાં સોનાનું પેન્ડલ હતું, તેમજ કાનની બુટીઓ ઉતારી આપી હતી. આ તમામ દાગીનાનું વજન આશરે દોઢ તોલા અને કિંમત રૂ. ૭૫ હજાર જેટલી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દાગીના મેળવી લીધા બાદ ત્રણેય શખ્સો નાસ્તો કરવા જવાનું કહીને ત્યાંથી નીકળી ગયા હતા.
લાંબા સમય સુધી ત્રણેય અજાણ્યા લોકો પરત ન ફરતાં વૃદ્ધાને શંકા ગઈ હતી. ત્યારબાદ તેમણે રૂમાલમાં બાંધેલું બંડલ ખોલીને તપાસ્યું તો તેમાં રોકડ રૂપિયા નહીં, પરંતુ માત્ર કાગળના ટુકડા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં તેમણે રામોલ પોલીસનો સંપર્ક કર્યો હતો. વૃદ્ધાની ફરિયાદના આધારે પોલીસે એક અજાણી મહિલા અને અન્ય બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે.









































