રાજુલા તાલુકાના પટવા ગામના દરિયાકાંઠે ત્રણ સિંહો વચ્ચે લડાઈ થયાની ઘટના સામે આવતાં વન્યજીવપ્રેમીઓમાં ચિંતા પ્રસરી હતી. આ દરમિયાન ત્રણ સિંહો વચ્ચે થયેલી લડાઈમાં એક સિંહ દરિયામાં પડી જતાં ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ વનવિભાગ દ્વારા સિંહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાના એક દિવસ બાદ પટવા ગામના દરિયાકાંઠાથી આશરે ત્રણ કિલોમીટર દૂર પીપાવાવ પોર્ટની જેટી પાસેથી દરિયાના પાણીમાં એશિયાટિક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, દરિયામાં ડૂબી જવાથી સિંહનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.સિંહનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં રાજુલા રેન્જના આર.એફ.ઓ. ડી.કે. મકવાણા સહિત વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગની ટીમે મૃતદેહનો કબજો મેળવી જરૂરી તપાસ શરૂ કરી હતી. સિંહના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દરિયાકાંઠે ત્રણ સિંહો વચ્ચેની લડાઈ અને ત્યારબાદ એક સિંહનો મૃતદેહ મળી આવવાની ઘટનાને પગલે વનવિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ સિંહના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.







































