લાઠી તાલુકાના ઘામેલ ગામે અંદાજે રૂ. ૪ કરોડ ૩૦ લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને આંબરડી બેઠકના જિલ્લા પંચાયતના સભ્ય નરેશભાઈ ડોંડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના વિકાસને લગતાં વિવિધ કામોની શરૂઆત થતાં ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યત્વે દામનગરથી ઘામેલ સુધીના માર્ગના નવીનીકરણ માટે અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે થનારા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગનું નવીનીકરણ થતાં બંને ગામો વચ્ચેની અવરજવર વધુ સરળ બનશે. ઉપરાંત સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને માર્ગની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે. આ સાથે અંદાજે રૂ. ૩૦ લાખના અન્ય વિકાસકાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોથી ગામમાં પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે લાઠી-બાબરા-દામનગર વિધાનસભા વિસ્તારમાં રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય સહિતની પાયાની સુવિધાઓ વિકસાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગામડાં સુધી વિકાસની સુવિધાઓ પહોંચે તે માટે જરૂરી કામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ વિસ્તારનાં ગામોમાં જરૂરિયાત મુજબનાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ગ્રામજનોએ માર્ગ સહિતનાં વિકાસકાર્યોની મંજૂરી અને ખાતમુહૂર્ત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી, ગ્રામ પંચાયતના સરપંચ, ગામના આગેવાનો, ભાજપના કાર્યકરો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








































