અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના નવા ઉજળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અને ભૂગર્ભ જળ રીચાર્જ અંગે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના મુખ્ય માર્ગદર્શક દિલીપભાઈ સખીયાએ ગ્રામજનોને પાણીનું મહત્વ અને જળસંચયની વૈજ્ઞાનિક તથા પરંપરાગત પધ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ચેકડેમ, બોરર્ચાજિંગ, ખેતતલાવડી અને નદી-નાળા ઊંડા કરવા જેવા કાર્યોની સમજ આપી હતી. વરસાદી પાણીનો દરેક ટીપું જમીનમાં ઉતારવા અને ગામનું પાણી ગામમાં તથા ખેતરનું પાણી ખેતરમાં રોકવા અપીલ કરી હતી. ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ જળસંચયનાં કાર્યો કરવાનો સંકલ્પ કરાયો છે, જેમાં ૨૦ હજારથી વધુ જળસંચયનાં માળખાં તૈયાર થઈ ચૂક્યાં છે.
કાર્યક્રમમાં સરપંચ રાજેશભાઈ કાવઠીયા સહિત ગ્રામજનો અને ટ્રસ્ટના હોદ્દેદારો રમેશભાઈ ધાનાણી, સુરેશભાઈ દેસાઈ, ભાવેશભાઈ ખાત્રા તથા મનીષભાઈ માયાણી ઉપસ્થિત રહ્યા હતા.







































