અમદાવાદના નરોડામાં રહેતા અને ભદ્રેશ્વર મેલડી માતાના મંદિરના ભુવા તરીકે સેવા આપતા દિપક પરમારનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો છે કે પુત્રવધૂ સાથે પ્રેમસંબંધ હોવાના આરોપ અને સમાધાન માટે ૨૦ લાખની માગણીને કારણે દિપકને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ૬ લોકો સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, દિપક પરમાર રિક્ષા ચલાવવાની સાથે ભદ્રેશ્વર ખાતે મેલડી માતાના મંદિરમાં ભુવા તરીકે સેવા આપતા હતા. ૩ ઓક્ટોબરે કુબેરનગરમાં રહેતાં વસંતીબહેને પોતાના ઘરે માતાજીની વિધિ કરાવવા માટે દિપકનો સંપર્ક કર્યો હતો. ૪ ઓક્ટોબરે દિપક તેમના ઘરે ગયા હતા.ત્યારબાદ વસંતીબહેને દિપક પર તેમના પુત્ર રોમેશની પત્ની કાજલ સાથે પ્રેમસંબંધ હોવાનો આક્ષેપ મુક્યો હતો. ફરિયાદ મુજબ, આ પછી કુણાલ માછલેકર અને હાર્દિક માછલેકરે પણ દિપકનો સંપર્ક કરીને તેમને માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ છે.ફરિયાદ અનુસાર, ૪ ઓક્ટોબરની રાત્રે રોમેશ, કાજલ, કુણાલ અને હાર્દિકે દિપક તથા તેમના કાકાના ઘરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાથી ડરીને દિપક ઘરે જતા ન હોવાનું અને તેમની પત્ની દક્ષાબહેન પિયર જતાં રહ્યાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે ચંદન વતન બજરંગે નામના વ્યક્તિને ચડામણીથી સમાધાનના નામે દિપક પાસે ૨૦ લાખની માગણી કરવામાં આવી હતી અને તેમને ધમકીઓ આપવામાં આવતી હતી. ફરિયાદ અનુસાર, ૧૨ ઓક્ટોબરની રાત્રે દિપક ભદ્રેશ્વર ખાતે આવેલા મેલડી માતાના મંદિરે ગયા હોવાનું જણાવાયું છે. ત્યાંથી તેમણે પત્નીને વીડિયો કોલ કર્યો હતો અને ત્યારબાદ ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમસા દાખલ કરવામાં આવ્યા હતા. ૧૬ ઓક્ટોબરના રોજ સિવિલ હોÂસ્પટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન દિપક પરમારે અંતિમ શ્વાસ લીધા હતા.
આ ઘટનાને પગલે પત્ની દક્ષાબહેને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વસંતીબહેન સહિત કુલ ૬ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ કેસમાં એક અન્ય મહત્વની બાબત એ છે કે અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનમાં દિપક ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમાં વિધિના બહાને ૨૭ વર્ષીય પુત્રવધૂ પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બંને મામલાની કાનૂની કાર્યવાહી અને તપાસના આધારે આગળની હકીકતો સ્પષ્ટ થશે.