જાફરાબાદ પંથકમાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. એક સરકારી શાળાના શિક્ષક સામે ધોરણ ૮માં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થિનીઓ સાથે લાંબા સમયથી અશોભનીય વર્તન અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના ગંભીર આક્ષેપો થયા છે. જાફરાબાદ પોલીસે આ મામલે પોક્સો સહિતની સંબંધિત જાગવાઈઓ હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, આરોપી રામશંકર બટુકભાઈ પંડ્યા જાફરાબાદ પંથકના એક ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેના પર આક્ષેપ છે કે તે છેલ્લા આશરે બે વર્ષથી ધોરણ ૮ની ચાર વિદ્યાર્થિનીઓને ચા બનાવવા માટે સ્ટાફ રૂમમાં બોલાવતો હતો અને તેમની સાથે અયોગ્ય વર્તન કરતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, એક વિદ્યાર્થિનીએ શિક્ષક દ્વારા વારંવાર શારીરિક અડપલાં કરવામાં આવતાં હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં ૨૧ જુલાઈના રોજ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ છે.આરોપી રામશંકર બટુક પંડ્યા મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તે અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી ચૂક્્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં તે જાફરાબાદ વિસ્તારની શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હતો.રાજુલાના ડીવાયએસપી નયના ગોરડિયાના જણાવ્યા અનુસાર, જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સો અને દુષ્કર્મ સંબંધિત ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થિનીએ શિક્ષક દ્વારા લાંબા સમયથી અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાની વાત જણાવી હતી.
ડીવાયએસપીના જણાવ્યા મુજબ, અમરેલી જિલ્લા પોલીસના ‘મિશન સ્માઈલ’ કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં ‘ગુડ ટચ અને બેડ ટચ’ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો બાદ વિદ્યાર્થિનીઓમાં હિંમત આવી અને તેમણે પરિવારજનોને પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ વાલીઓએ પોલીસનો સંપર્ક કરતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિદ્યાર્થિનીઓની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પણ કોઈ અયોગ્ય વર્તન થયું છે કે કેમ તે સહિતનાં પાસાં તપાસવામાં આવશે.સગીરાઓની ઓળખ અને ગોપનીયતા જળવાઈ રહે તે માટે તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. આરોપ સામેના આક્ષેપો અંગે અંતિમ નિર્ણય ન્યાયિક પ્રક્રિયા બાદ જ આવશે.








































