ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના ગરાળ અને ગાંગડા પંથકમાં કપાસના પાકમાં રાતડ રોગની સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લીલાછમ કપાસના છોડ સુકાઈને લાકડા જેવા બની રહ્યા છે. રાતડ નામની ઈયળના ઉપદ્રવથી પણ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કનુભાઈ પરમારના જણાવ્યા મુજબ, પાંચથી દસ વીઘામાં વાવેતર કરનારા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે. ભગુભાઈએ જણાવ્યું કે મોંઘાં બિયારણ, ખાતર અને દવાઓ પાછળ કરેલો ખર્ચ વસૂલ થાય તેવી આશા ઓછી છે. ખોરડુભાઈએ પણ ખેતી ખર્ચ માથે પડ્યાની વેદના વ્યક્ત કરી હતી. લખમણભાઈએ તંત્ર કચેરીમાં બેસવાને બદલે ખેતરોમાં પહોંચીને સર્વે કરે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને સરકાર સહાય આપે તેવી માંગ કરી છે.











































