રાજુલા શહેરમાં સરકારી હોસ્પિટલથી ભેરાઈ રોડને જોડતો નવો ડિવાઈડરવાળો રસ્તો બનશે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે રૂ. ૧ કરોડના ખર્ચે બનનારા આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તો બનવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને વાહનચાલકોને અવરજવરમાં મોટી સગવડ મળશે. રેલવે પાસેથી જમીન મેળવી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સવિતાનગર અને ભેરાઈ રોડ તરફ જતા વાહનચાલકોને હવે લાંબો વળાંક લેવો પડશે નહીં, જેથી સમય અને અંતરની પણ બચત થશે. ખાતમુહૂર્ત પ્રસંગે રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, રવુભાઈ ખુમાણ સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. રસ્તાનું કામ દિવાળી પહેલાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી.









































