શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતો અને બેફામ દોડતા ડમ્પરોનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં ચર્ચાયો હતો. જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદમાં ડમ્પરો અને ટ્રકોની અવરજવર, હેલ્મેટના નિયમના અમલ અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ સહિતના મુદ્દાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ખાસ કરીને ત્રણ મુદ્દા પર સરકારને ધ્યાન આપવા સૂચન કર્યું હતું. જેમાં હેલ્મેટના નિયમનું કડક પાલન, શહેરમાં ડમ્પરો-સિમેન્ટ ટ્રકોની અવરજવર અને ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગનો સમાવેશ થાય છે. હાઈકોર્ટે હેલ્મેટના નિયમ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં ટકોર કરી કે રાજ્યમાં ડ્રાઈવર તેમજ પિલિયન રાઈડર માટે હેલ્મેટ ફરજિયાત છે, તેમ છતાં નિયમનું યોગ્ય રીતે પાલન થતું નથી. એટલું જ નહીં અન્ય રાજ્યમાંથી જજ અહીં આવે છે અને રસ્તા પરના દ્રશ્યો જાઈને આશ્ચર્ય સાથે પૂછે છે કે અહીં હેલ્મેટ રૂલ નથી?
ડમ્પરોના કારણે થતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરતાં હાઈકોર્ટે ટકોર કરી હતી કે દર બીજા દિવસે અકસ્માતમાં કોઈને કોઈનો જીવ જાય છે. ડમ્પરોની નંબર પ્લેટ પણ ઘણી વખત દેખાતી ન હોવાની બાબત હાઈકોર્ટના ધ્યાન પર આવી હતી.વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ અંગે પણ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. લોકો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા જાવા મળે છે.
હાઈકોર્ટે વધુ ગંભીર ટકોર કરતાં જણાવ્યું હતું કે હવે તો કેટલાક લોકો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલને ડેશબોર્ડ પર રાખીને વીડિયો જાતા પણ જાવા મળે છે. જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઉપરોક્ત ત્રણેય મુદ્દાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું છે. હવે આ મામલે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરાશે. અમદાવાદના રસ્તાઓ પર બેફામ દોડતા ભારે વાહનો, ટ્રાફિક નિયમોના ભંગ અને વાહનચાલકોની બેદરકારી સામે હાઈકોર્ટની ટકોર બાદ હવે સરકાર અને તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર નજર રહેશે.