ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ને લઈને ભાજપે સંકલ્પ પત્ર જાહેર કરી આગામી પાંચ વર્ષમાં ગાંધીનગરના વિકાસનો રોડમેપ રજૂ કર્યો છે. આધુનિક, સ્માર્ટ, સ્વચ્છ, હરિયાળું અને સર્વસમાવેશી શહેર બનાવવાના વિઝન સાથે ભાજપે માળખાગત સુવિધા, ટેકનોલોજી, શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ, પર્યટન, પર્યાવરણ તેમજ ગ્રામ્ય-શહેરી વિકાસને પ્રાથમિકતા આપી છે.
સંકલ્પ પત્રના જાહેર કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, શહેર ભાજપ પ્રમુખ ડા. આશિષ દવે, ધારાસભ્ય રીટા પટેલ, મેયર મીરા પટેલ સહિત ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ આગામી સમયમાં ગાંધીનગરને વધુ સુવિધાસભર અને ભવિષ્યલક્ષી શહેર બનાવવાના ભાજપના વિઝનને રજૂ કર્યું હતું.
ભાજપે ચ-રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાનો સંકલ્પ કર્યો છે. રોડ નંબર-૨ અને ૩ તેમજ ઘ-૭થી પેથાપુર સુધીના માર્ગને સ્માર્ટ રોડ બનાવવાની યોજના છે. વિવિધ સેક્ટરના એપ્રોચ રોડનું આધુનિકીકરણ અને શહેરના રસ્તાઓને તબક્કાવાર ઝ્રઝ્ર રોડમાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રાફિક સિગ્નલને છૈં આધારિત બનાવવાની સાથે ખ-૨થી વાવોલ ઓવરબ્રિજ અને ક-૭થી રાંધેજા તરફના ઓવરબ્રિજના કામને આગળ વધારવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેક્ટરોનો વિકાસ કરાશે. પ્રવેશદ્વાર, સ્ટ્રીટ ફર્નિચર, ફૂટપાથ, મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોનું એકરૂપ સૌંદર્યીકરણ કરવામાં આવશે. સેક્ટર-૧ અને સેક્ટર-૧૯માં સ્ટ્રીટ લાઇટ પોલ બદલવાની પણ જાહેરાત કરાઈ છે.
મનપા સંચાલિત શાળાઓમાં એઆઇ લેબ,સ્માર્ટ કલાસરૂમ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાની યોજના છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સ્કૂલોનો વ્યાપ વધારવામાં આવશે વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આધુનિક નમો લેબોરેટરી વિકસાવાશે. મનપામાં સમાવિષ્ટ ગામોમાં પણ પુસ્તકાલય અને વાંચન સુવિધા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ અને પેથાપુરમાં સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આધુનિક સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ, મહિલાઓ માટે અલાયદા જીમ તેમજ વિવિધ રમતોની તાલીમ માટેની સુવિધાઓ વિકસાવવાનું વચન આપવામાં આવ્યું છે.
સેક્ટર-૧ તળાવનું રિ-ડેવલપમેન્ટ
ગાંધીનગરની હરિયાળી ઓળખને વધુ મજબૂત બનાવવા સેક્ટર-૧ તળાવનું રિ-ડેવલપમેન્ટ કરાશે. વોક-વે, લેન્ડસ્કેપિંગ, બેઠક અને મનોરંજનની સુવિધાઓ ઊભી કરવાની સાથે મુખ્ય માર્ગો અને સેક્ટરોમાં થીમ અધારિત પ્લાન્ટેશન કરવામાં આવશે.
મનપામાં સમાવિષ્ટ ગોકુળપુરા, કતેપુરા, આદીવાડા અને કુબેરનગર સહિતના વિસ્તારોમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર, પાણી સહિતની માળખાગત સુવિધાઓ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ભાજપના સંકલ્પ પત્ર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપની કરણી અને કથણી અલગ છે. કોંગ્રેસનો મેનિફેસ્ટો પ્રજાલક્ષી છે, જ્યારે ભાજપ મોટા મોટા વાયદા કરે છે પરંતુ ગાંધીનગરના ખાડા પણ સાચા અર્થમાં પૂરી શકતું નથી અને બ્યુટીફિકેશનની વાતો કરે છે.