સુરતના ચર્ચિત નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં સરકાર દ્વારા નિયુક્ત ઉચ્ચસ્તરીય તપાસ સમિતિએ તપાસનો વ્યાપ નોંધપાત્ર રીતે વધારી દીધો છે. અત્યાર સુધી માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ સુધી મર્યાદિત રહેલી આ તપાસ હવે વિવાદી જમીનના ડેવલપરોના દરવાજે પહોંચી ગઈ છે. નોંધ નં. ૧૨૬૭/૧, ૨ અને ૩ વાળી વિવાદાસ્પદ જમીનમાં પ્રોજેક્ટ વિકસાવનારા ડેવલપરોને પ્રથમ વખત તપાસ સમિતિ સમક્ષ હાજર રહેવા માટે સત્તાવાર તેડું મોકલવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ વિકાસથી સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે.
આ તપાસ માત્ર ડેવલપરો પૂરતી સીમિત નથી, પરંતુ ડિમોલિશનની આખી ઘટના સાથે જોડાયેલા અન્ય સહાયક પાત્રોની પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. નાસીરનગરમાં ડિમોલિશનની કામગીરી માટે જેસીબી મશીન સ્થળ પર લાવનાર કોન્ટ્રાક્ટર એજન્સીના સંચાલકોને સમિતિ સમક્ષ બોલાવાયા છે. આ ઉપરાંત, ટોરેન્ટ પાવરને ફોન કરીને વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવાની જાણ કરનાર પાલિકાના ઇલેક્ટ્રીક વિભાગના કર્મચારી તેમજ ટોરેન્ટ તરફથી તે ફોન રીસીવ કરનાર સંબંધિત કર્મચારીનું નિવેદન પણ નોંધવામાં આવશે.
આજે શુક્રવારે પ્રભાવિત નાગરિકો દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશન નં. ૮૭૧૨/૨૦૨૬ પર ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. અગાઉની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા સખત સૂચના આપી હતી, જેના કારણે સરકારની ઉચ્ચસ્તરીય સમિતિની આ તપાસ અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. સરકાર દ્વારા સમિતિને શરૂઆતમાં આપવામાં આવેલો સમયગાળો ૧૮ સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ગયો હતો, ત્યારબાદ સમિતિએ વધુ સમયની માંગણી કરી હતી. હવે તમામ સંબંધિત પક્ષોના નિવેદનો અને મહ¥વના મુદ્દાઓની તપાસ પૂર્ણ કર્યા બાદ નજીકના દિવસોમાં આ સમિતિ પોતાનો આખરી તારણ અહેવાલ રાજ્ય સરકાર સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરશે.