નવરાત્રી દરમિયાન શહેરનાં વિવિધ મંદિરોમાં વહેલી સવારથી મોડી રાત સુધી શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. માતાજીને ફૂલ-હાર, ચૂંદડી, નાળિયેર અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવે છે. દિવસ દરમિયાન મોટી માત્રામાં નિર્માલ્ય એકત્રિત થતું હોવાથી તેનો યોગ્ય નિકાલ કરવો જરૂરી બને છે. જો આ સામગ્રી સમયસર દૂર કરવામાં ન આવે તો મંદિર પરિસર અને આસપાસના રસ્તાઓ પર ગંદકી ફેલાઈ શકે છે. આ સ્થિંતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને ૭૧ર મંદિરોમાંથી નિર્માલ્ય એકત્રિત કરવા રરથી વધુ વાહનો ફાળવ્યાં છે. આ વાહનો નિયત સમયે મંદિરો સુધી પહોંચીને પૂજા બાદ એકત્રિત થતી સામગ્રી લઈ જશે. નિર્માલ્યને સામાન્ય કચરાથી અલગ રાખીને તેનો યોગ્ય નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજનથી મંદિરોની આસપાસ સ્વચ્છતા જાળવવા સાથે જાહેર સ્થળોએ કચરો ફેલાતો અટકાવવામાં પણ મદદ મળશે.
અમદાવાદમાં અનેક પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો આવેલાં છે, જ્યાં નવરાત્રી દરમિયાન ભક્તોની અવરજવર વધે છે. આ મંદિરોમાં સ્વચ્છતા જાળવવા માટે નિર્માલ્ય એકત્રિત કરવાની વ્યવસ્થા મહત્વપૂર્ણ બની રહેશે.
– ભદ્રકાળી માતાજી મંદિર, લાલદરવાજાઃ શહેરનાં નગરદેવી તરીકે ઓળખાતાં ભદ્રકાળી માતાજીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે.
– બહુચર માતાજી મંદિર, મણિનગરઃ નવરાત્રી દરમિયાન પૂજા-અર્ચના બાદ એકત્રિત થતી સામગ્રીના નિકાલ માટે વ્યવસ્થા રહેશે.
– ખોડિયાર માતાજી મંદિર, નિકોલઃ સ્થાનિક શ્રદ્ધાળુઓની અવરજવર વચ્ચે સ્વચ્છતા જાળવવા નિર્માલ્ય એકત્રિત કરાશે.
– મહાકાળી માતાજી મંદિર, દરિયાખાન ઘુમ્મટ પાસેઃ માતાજીને અર્પણ કરાતા ફૂલ-હાર સહિતની સામગ્રી એકત્રિત કરાશે.
– અંબાજી માતાજી મંદિર, માધવપુરાઃ પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.
– મેલડી માતાજી મંદિર, દૂધેશ્વરઃ નિર્માલ્યને અલગથી એકત્રિત કરવાનો વ્યવસ્થામાં સમાવેશ કરાયો છે.
– ખોડિયાર માતાજી મંદિર, આશ્રમ રોડઃ નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જળવાય તે માટે વિશેષ વાહનોની વ્યવસ્થા રહેશે.
નવરાત્રી દરમિયાન ફૂલની ખરીદી વધતાં જમાલપુર પુલ પાસે આવેલા અમદાવાદના મોટા ફૂલબજારમાં કચરો વધવાની શક્્યતા રહે છે. અહીં ફૂલ અને હારના વેચાણના કારણે મોટી માત્રામાં પાંદડાં અને અન્ય કચરો એકત્રિત થઈ શકે છે. આથી કોર્પોરેશન દ્વારા ફૂલબજારમાં વધારાની સફાઈ ટીમો તહેનાત કરવામાં આવશે. કચરો એકત્રિત થતાં જ તેનો નિકાલ થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મંદિરોની સ્વચ્છતાની સાથે સાબરમતી નદીને પ્રદૂષણથી બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો ફૂલ-હાર, દેવી-દેવતાઓના ફોટોગ્રાફ્સ અને ખંડિત મૂર્તિઓ નદીમાં પધરાવે છે, તેના કારણે નદીમાં પ્રદૂષણ ફેલાવાની શક્્યતા રહે છે. આથી નદી પરના પુલ પર મૂકવામાં આવેલા કળશકુંડમાં આવી સામગ્રી અર્પણ કરવા કોર્પોરેશને અપીલ કરી છે. ઘરમાં થતી પૂજા બાદ એકત્રિત થતા નિર્માલ્યને ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતાં વાહનોમાં નાખવાના બદલે અલગ રાખીને યોગ્ય વ્યવસ્થામાં જમા કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે. ૭૧ર મંદિરો માટેની વ્યવસ્થા સફળ બનાવવા તંત્રની કામગીરી સાથે નાગરિકોનો સહકાર પણ જરૂરી છે. નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જળવાય તો ભક્તોને સ્વચ્છ વાતાવરણમાં દર્શનનો લાભ મળશે અને શહેરને સ્વચ્છ રાખવાના પ્રયાસને પણ વેગ મળશે.