વડિયા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીના કથિત ડુપ્લિકેટ સિક્કા બનાવી બનાવટી વેરાની પહોંચ તૈયાર કરવાના મામલે સરપંચ મનીષ ઢોલરિયા અને તલાટી-કમ-મંત્રીએ વડિયા પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ સદગુરુનગરના મુકેશભાઈ ગોવિંદભાઈ સોલંકીએ ગ્રામ પંચાયતના નામે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ની રૂ.૨,૯૯૦ની વેરા પહોંચ બનાવી તેમાં ડુપ્લિકેટ સિક્કા અને સહીનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે. આ પહોંચના આધારે લોન લેવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. બનાવટી પહોંચ ગ્રામ પંચાયતને મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ડુપ્લિકેટ સિક્કા ત્રણ વર્ષથી વધુ સમય અગાઉ બનાવાયા હોવાથી તેનો અન્ય કામોમાં ઉપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તો સિક્કા અને પહોંચ કોણે બનાવી, ક્યાં બનાવી અને અન્યત્ર તેનો ઉપયોગ થયો કે કેમ તે અંગે વધુ વિગતો બહાર આવી શકે છે.






































