કોંગ્રેસના વરિષ્ઠ નેતા, અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના દુઃખદ અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે. તેમના નિધનના સમાચાર મળતા જ વિવિધ રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ ઠુંમર પરિવારને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. સ્વ. વિરજીભાઈ ઠુંમરના અમરેલી સ્થિત નિવાસસ્થાને ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, શિરોમણી સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડે પહોંચી પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરા, ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા, રમેશભાઈ કાથરોટીયા તથા રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી પીનલબેન સાવલિયા સહિતના અનેક અગ્રણીઓએ પણ રૂબરૂ મુલાકાત લઈ દિવંગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી અને તેમની પુત્રી જેનીબેન ઠુંમર સહિત સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.