જામનગરમાં પોલીસ ચેકિંગ દરમિયાન રૂ.૭૫ હજારની કિંમતના ૧૫૦ મણ ઘઉંનો જથ્થો પકડાતાં સરકારી અનાજની મોટી ચોરીનો ભાંડો ફૂટ્યો છે. બેડી બંદર રોડ પર આવેલા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના સરકારી ગોડાઉનમાંથી રૂ.૧૮.૦૮ લાખની કિંમતના ઘઉંની ચોરી થયાનું સામે આવ્યું છે. ગોડાઉનની છતના પતરાં ઉચકાવી અંદર પ્રવેશ કરીને અનાજની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે સિટી બી-ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલા ઘઉંનો જથ્થો જામનગરના બેડી બંદર રોડ પર આવેલા સરકારી ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. દરમિયાન સિટી બી-ડિવિઝન પોલીસની કાર્યવાહીમાં ગોડાઉનમાંથી ચોરાયેલા ૧૫૦ મણ ઘઉંનો આશરે રૂ.૭૫ હજારની કિંમતનો જથ્થો તથા ચોરીમાં વપરાયેલી વસ્તુઓ અને વાહન કબજે કરવામાં આવ્યાં હતાં.
આ અંગે બેડી પોલીસ ચોકીના પી.એસ.આઈ. આર.બી.ઠાકોર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનના જવાબદાર અધિકારીને જાણ કરવામાં આવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ ગોડાઉનના મેનેજર અશોકકુમાર હરીભાઈ સુયક તથા સ્ટાફ દ્વારા સંગ્રહિત સરકારી અનાજના જથ્થાની તપાસ અને ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
ગોડાઉનમાં રહેલા અનાજના જથ્થાની ગણતરી દરમિયાન ૫૦ કિલોગ્રામની ભરતીવાળા કુલ ૧,૩૯૯ કટ્ટા ઘઉંની ઘટ હોવાનું સામે આવ્યું હતું. આ રીતે કુલ આશરે ૬૯,૯૫૦ કિલોગ્રામ ઘઉં ઓછા હોવાનું જણાયું હતું. જેની સરકારી ટેકાના ભાવ મુજબ કુલ કિંમત રૂ.૧૮,૦૮,૨૦૭ થતી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આમ, પોલીસ દ્વારા પકડાયેલા ઘઉંના જથ્થાને પગલે સરકારી ગોડાઉનમાંથી લાખો રૂપિયાના અનાજની ચોરી થયાનું બહાર આવ્યું હતું.
આ મામલે ગોડાઉનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના દૃશ્યચિત્રોની તપાસ કરતાં ચોરી અંગે વધુ વિગતો પ્રકાશમાં આવી હતી. તા.૨૪ સપ્ટેમ્બરથી તા.૭ ઓક્ટોબર દરમિયાન આશરે પાંચેક વખત ગોડાઉનની છત પરના ફાઇબરના પતરાં ઉચકાવી અંદર પ્રવેશ કરીને સરકારી ઘઉંના જથ્થાની ચોરી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે ઇકબાલ અબ્દુલ કમોરા, અબ્બાસ વલીમહમદ જેડા, શબીર જુસબભાઈ શેખ, અબ્દુલ વલીમહમદ જેડા અને આબિદ અબ્દુલ જેડા સામે સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સરકારી ગોડાઉનમાંથી આટલી મોટી માત્રામાં ઘઉંની ચોરીનો મામલો સામે આવતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, ચોરાયેલો જથ્થો ક્્યાં લઈ જવાયો અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યÂક્તની ભૂમિકા છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.







































