અમરેલી તાલુકાના રેવન્યુ વિસ્તારમાં સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. નાના માચીયાળા ગામના ભુપતભાઈ ખોડાભાઈ ભરવાડ બપોરના સમયે પોતાના માલઢોર સાથે મોટા માચીયાળા ગામની સીમ વિસ્તારમાં ગાયોને ચરાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ત્રણથી ચાર સિંહોના ટોળાએ ગાયો પર હુમલો કર્યો હતો. સિંહોના ટોળાએ ગાયોને નિશાન બનાવી હુમલો કરતાં ત્રણ ગાયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સિંહોના આ અચાનક હુમલાથી માલધારીમાં ભયનો માહોલ સર્જાયો હતો. રેવન્યુ વિસ્તારમાં સિંહોના સતત આંટાફેરા વધી રહ્યા હોવાથી પશુપાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. બનાવની જાણ થતાં ગ્રામજનો દ્વારા સંબંધિત વનવિભાગને જાણ કરવામાં આવી હતી. સિંહોના આંટાફેરાને પગલે
પશુપાલકો પોતાના માલઢોરને સીમ વિસ્તારમાં ચરાવવા લઈ જતાં પણ સાવચેતી રાખી રહ્યા છે.




































