સૌરાષ્ટ્રના ગામડાઓ આજે અનેક મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ખેતી સામે વધતા પડકારો, અનિયમિત આવક, વધતો ખર્ચ, રોજગારીની મર્યાદિત તકો અને આધુનિક ટેકનોલોજીનો પૂરતો ઉપયોગ ન થવાના કારણે ગામડાનાં અનેક યુવાનો શહેરોની વાટ પકડી રહ્યા છે. શહેરની ચમક તેમને આકર્ષે છે અને ધીમે ધીમે ગામ, જમીન અને ખેતી સાથેનો સંબંધ નબળો પડતો જાય છે. પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લાના વરસડા ગામનો એક યુવાન એવી વાત કરે છે જે ગામડાના ભવિષ્ય માટે આશાનું કિરણ બની શકે છે.
આ યુવાનનું નામ છે જયદીપભાઈ રાજેશભાઈ ડોબરીયા. ઉંમર માત્ર ૩૦ વર્ષ અને અભ્યાસ બી.સી.એ. સુધીનો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી રોજગારી માટે ગુજરાતનાં અનેક મોટાં શહેરો અને મહાનગરોમાં જવાનું થયું. શહેરની રોશની જોઈ, નોકરી અને મહાનગરોની જીવનશૈલી જોઈ, પરંતુ અંતે પોતાના ગામની માટીએ તેમને પાછા બોલાવ્યો.
જયદીપભાઈએ નક્કી કર્યું કે નોકરી માટે શહેરમાં જવાને બદલે પોતાના ગામમાં જ કંઈક એવું કરવું છે, જેમાં પોતાનું ભવિષ્ય પણ બને અને ગામના ખેડૂતોને પણ ફાયદો થાય.તેમની વાતમાં એક વાક્ય ખાસ ધ્યાન ખેંચે છે. “મમ્મી, પપ્પા કે ગામને છોડવું નહોતું એટલે છાતી ઠોકીને અહીં ધંધો શરૂ કર્યો.”
આ માત્ર એક યુવાનની વાત નથી. આ તો ગામડામાં પાછા ફરવાની એક વિચારધારા છે. જયદીપભાઈના પિતા રાજેશભાઈ છેલ્લા ૧૧-૧૨ વર્ષથી ખેતી સાથે લસણ ફોલીને તેનું પેકિંગ કરી હોટેલ અને કેટરર્સને સપ્લાય કરવાનો વ્યવસાય કરે છે. અમરેલી ઉપરાંત ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ તેમનો માલ પહોંચે છે. દર મહિને આશરે ૩૦૦૦ કિલો ફોલેલા લસણનું પેકિંગ કરીને વેચાણ થાય છે. આ નાનકડા વ્યવસાયે પરિવારને આવક આપી અને સાથે જ એક મહત્વની વાત સાબિત કરી કે ખેડૂત માત્ર કાચો માલ વેચે એ જરૂરી નથી.
ખેતરમાંથી નીકળેલા લસણને જો સાફ કરવામાં આવે, ફોલવામાં આવે, પેકિંગ કરવામાં આવે અને સીધું બજારમાં પહોંચાડવામાં આવે તો તેના મૂલ્યમાં વધારો થઈ શકે છે. આ જ છે વેલ્યુ એડિશનની તાકાત. પિતાના આ અનુભવને આગળ વધારીને જયદીપભાઈએ ડિહાઇડ્રેશન ફૂડ પ્રોડક્ટ્સ, વેજિટેબલ પ્રોડક્ટ્સ અને હર્બલ પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં પગલું માંડ્યું છે. અશ્વગંધા પાવડર, મોરિંગા પાવડર, ઘઉંના જુવારાનો પાવડર, ગુલાબ પાવડર, મોગરાના ફૂલનો પાવડર, લસણ પાવડર, ડુંગળી પાવડર, આદુ પાવડર સહિતની પ્રોડક્ટ્સનું પેકિંગ અને વેચાણ શરૂ કર્યું છે.આ નાનકડું સાહસ એક મોટા વિચાર તરફ ઈશારો કરે છે. ખેતી માત્ર પાક ઉગાડવાનો વ્યવસાય નથી, પરંતુ ખેતીમાંથી અનેક ઉદ્યોગો ઊભા કરી શકાય છે.આજે આધુનિક ખેતીમાં નેટહાઉસ, ગ્રીનહાઉસ, વર્ટિકલ ર્ફામિંગ, ડિહાઇડ્રેશન, ફૂડ પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ, પેકેજિંગ અને સીધું ગ્રાહક સુધી વેચાણ જેવી અનેક નવી તકો ઊભી થઈ છે. ખેડૂત જો સંશોધન અને ટેકનોલોજીને સ્વીકારે, ઉત્પાદનની ગુણવત્તા જાળવે અને કાચા માલને બદલે તૈયાર પ્રોડક્ટ તરીકે બજારમાં મૂકે તો આવકના નવા રસ્તા ખુલી શકે છે.
મેં જયદીપભાઈને પૂછ્યું કે “તમે ભણેલા છો, અનેક શહેરોમાં ફરીને આવ્યા છો. આજે મોટાભાગના યુવાનો ગામડાં છોડીને શહેર તરફ જઈ રહ્યા છે, ત્યારે તમે ગામમાં પાછા કેમ આવ્યા?”તેમણે હસતા હસતા કહ્યું કે મહાનગરોની દોડધામભરી જિંદગી તેમણે નજીકથી જોઈ છે. પૈસા કમાવવા છે તો મહેનત ગામમાં રહીને પણ કરી શકાય છે. આજે સોશિયલ મીડિયા માર્કેટિંગનું મોટું માધ્યમ બની ગયું છે. બેન્કિંગ સરળ બન્યું છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધી છે અને દેશ-દુનિયાના ગ્રાહક સુધી ગામમાં બેઠા પહોંચી શકાય છે.તેમની વાતમાં એક અલગ જ આત્મવિશ્વાસ હતો. “મહાનગરની દસ ફૂટની ઓરડીમાં રહેવા કરતાં ગામમાં પોતાના વીઘા જેટલા ફળિયા વાળા મકાનમાં રહીને મહેનત કરીએ અને વેલ્યુ એડિશનનો ધંધો કરીએ તો જીવન પણ સારું અને આવક પણ સારી થઈ શકે.” જયદીપભાઈની આંખોમાં મને માત્ર પોતાના વ્યવસાયનું સ્વપ્ન દેખાયું નહીં, પરંતુ ભાંગતા ગામડાના ફરી ઉદયનું સ્વપ્ન દેખાયું. ગામડાઓને બચાવવાનો અર્થ માત્ર લોકોને ગામમાં રોકી રાખવાનો નથી. ગામડામાં રોજગાર ઊભો કરવો પડશે. ખેતી સાથે ફૂડ પ્રોસેસિંગ, પેકેજિંગ, સ્ટોરેજ, ડિહાઇડ્રેશન, પશુપાલન, દૂધ પ્રોસેસિંગ, હસ્તકલા, ગ્રામ્ય પ્રવાસન અને ડિજિટલ માર્કેટિંગ જેવા વ્યવસાયો વિકસાવવા પડશે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને યુવાનો પોતાના ગામમાં નાના ઉદ્યોગો શરૂ કરી શકે છે. જરૂર છે માત્ર માહિતી, યોગ્ય માર્ગદર્શન, બજારની સમજ અને સતત મહેનતની. કોરોના જેવી વિકટ પરિસ્થિતિએ પણ આપણને એક વાત સમજાવી હતી કે સંકટના સમયમાં ગામડાંનું મહત્વ કેટલું મોટું છે. શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના ગામ તરફ પરત ફર્યા હતા. આ અનુભવને આપણે ભૂલવો ન જોઈએ.
આજે હિન્દુસ્તાનનાં ગામડાં અનેક જયદીપની રાહ જોઈ રહ્યા છે.કોઈ યુવાન પાછો આવે, પોતાના ખેતરની માટીને ઓળખે, પિતાની મહેનતમાંથી શીખે, નવી ટેકનોલોજી અપનાવે, ખેડૂતના ઉત્પાદનનું મૂલ્ય વધારે અને ગામની રોનક પાછી લાવવાનો પ્રયાસ કરે તો એ માત્ર પોતાનો વ્યવસાય ઊભો કરતો નથી, પરંતુ આખા ગામના ભવિષ્યમાં રોકાણ કરે છે.
ગામ છોડીને શહેર જવું જ વિકાસ નથી. ગામમાં રહીને ગામને વિકાસનું કેન્દ્ર બનાવવું પણ વિકાસનો જ એક રસ્તો છે.જયદીપભાઈ ડોબરીયાની કહાની કદાચ આજે એક નાના ગામની કહાની છે, પરંતુ આવતીકાલે આવી અનેક કહાનીઓ સૌરાષ્ટ્રના ગામડાઓના પુનઃઉદયની ઓળખ બની શકે છે. ખેતીને માત્ર જીવનનિર્વાહની પધ્ધતિ નહીં, પરંતુ આધુનિક ઉદ્યોગ તરીકે જોવાનો સમય આવી ગયો છે. ખેતરમાં ઉત્પાદન થાય, ગામમાં તેનું પ્રોસેસિંગ થાય, ગામમાં જ પેકિંગ થાય અને દુનિયાના બજારમાં ગામના નામથી વેચાય ત્યારે સાચા અર્થમાં ગામડું આત્મનિર્ભર બનશે. અને કદાચ ત્યારે કોઈ યુવાનને શહેરની રોશની શોધવા ગામ છોડવું નહીં પડે. કારણ કે ગામમાં જ રોશની ઊભી થશે. જયદીપ ડોબરીયા નો સંપર્ક નંબર.૯૮૫૮૫૦૮૪૮૪ છે .
::તિખારો::
માણસે ક્યારેક પોતાની વાત પાછી ખેંચવી પડે છે પોતાનો અહમ અને અહંકાર ઓગાળી નાખવો પડે છે અને સ્વીકારવું પડે છે કે હા મારી ભૂલ થઈ છે. ભૂલો સ્વીકારી લેવી એ આપણી હાર નથી પરંતુ આપણી જાતને સુધારવાની અને સમજદાર બનવાની એક નવી શરૂઆત છે.














































