બાબરા નગરપાલિકામાં ભાજપને ૨૪ માંથી ૨૨ બેઠકોની સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ વિકાસને ગતિ મળશે તેવી અપેક્ષા વચ્ચે નગરપાલિકાના વહીવટને લઈને ભાજપના કેટલાક સભ્યોમાં અસંતોષ હોવાની ચર્ચા તેજ બની છે. વિવિધ વિકાસકામોના ટેન્ડર, વર્ક ઓર્ડર, બિલ મંજૂરી, ખરીદી પ્રક્રિયા અને પ્રાથમિક સુવિધાઓ અંગે સવાલો ઉઠી રહ્યા છે.આ મુદ્દે નગરપાલિકા દંડક મનિષાબેન સરવૈયાએ ચીફ ઓફિસરને પત્ર પાઠવી ટેન્ડરથી વર્ક ઓર્ડર સુધીની વિગતો માંગ્યાની ચર્ચા છે. નગરપાલિકાની લાઈટ શાખા સાથે સંકળાયેલા આશરે રૂ.૫ લાખના બિલની મંજૂરી અંગે પણ સ્પષ્ટતા માંગવામા આવી છે. ઉપરાંત કરદાતાઓને આપવામાં આવતી કચરાપેટીની ખરીદીમાં આશરે રૂ.૩ લાખની ગેરરીતિ થઈ હોવાની ચર્ચા છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર તપાસ અહેવાલ જાહેર થયો નથી.કેટલાક મહત્વના નિર્ણયો લેતી વખતે ચૂંટાયેલા તમામ સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવે છે કે નહીં તેમજ ચૂંટાઈને નહીં આવેલા વ્યક્તિઓની કથિત દખલગીરી અંગે પણ ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલે દસ્તાવેજોની નિષ્પક્ષ તપાસ કરી હકીકત જાહેર કરવાની માંગ ઉઠી છે. સાથે જ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તમામ ભાજપના સભ્યો સાથે વન-ટુ-વન બેઠક યોજવાની માંગ પણ કરવામાં આવી છે.








































