વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમરેલી જિલ્લામાં ‘નમો ગાથા-અનકહી કહાનીઓ’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૫૦ શેરી નાટકોની પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું છે, જે ૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી યોજાશે.અમરેલી, લાઠી, લીલીયા, દામનગર, બાબરા, બગસરા, ધારી, ચલાલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને કુંકાવાવ સહિતના વિસ્તારોમાં આ નાટકો રજૂ કરવામાં આવશે. નાટ્યપ્રસ્તુતિ દ્વારા નરેન્દ્ર મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઈને દેશના વડાપ્રધાન તરીકેની રાષ્ટ્રસેવા સુધીની યાત્રા તથા જનકલ્યાણલક્ષી કાર્યોને સંવાદ, અભિનય, સંગીત અને રંગમંચન દ્વારા રજૂ કરવામાં આવશે. શેરી નાટકોના માધ્યમથી સેવા, સમર્પણ, અંત્યોદય, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની ભાવના સાથે સીધો જનસંવાદ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવશે.






































