લીંબડી રામદર્શન સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી, તસ્કરો ઘરમાંથી સોનાના બિસ્કીટની ચોરીને અંજામ આપ્યો હતો. પાંચ જેટલા તસ્કરો ૫૬ તોલા સોનાના બિસ્કીટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ સંદર્ભે ભોગ બનનાર મકાન માલિક દ્વારા સૌ પ્રથમ ભુવાને બતાવવામાં આવ્યું હતું, ત્યારે ભુવા એ કહ્યું હતું કે, બે મહિનામાં તમારું સોનું પાછું આવી જશે, પરંતુ આ સોનું પાછું ન આવતા અંતે ભોગ બનનાર પરિવારજનો દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ અંગે કામગીરી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.આ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી હાઈવે ઉપરના સીસીટીવી કેમેરા તેમજ ગ્રામીણ વિસ્તારના સીસીટીવી કેમેરા અને મોબાઈલ લોકેશન સહિતની વિગતોની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ભોગબનનારના મકાનમાં કામદાર તરીકે ફરજ બજાવતા અને લિંબડીમાં રહેતા અનસોયાબેન ધીરુભાઈ રાતોજા અને પ્રદીપ રણજીતભાઈ રાતોજા તેમજ ધીરુભાઈ મનજીભાઈ રાતોજા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
આ તમામ લોકો જ્યાં ચોરી થઈ હતી તે મકાન માલિકને ત્યાં જ ફરજ બજાવતા હતા, પરંતુ ત્યારબાદ તેમની દાનત ખરાબ થતા મકાનમાલિકને ત્યાં જ ૬૦૦ ગ્રામ જેટલા સોનાની ચોરી કરવામાં આવી હતી ત્યારે આ અંગે પોલીસ વિભાગની ટીમો દ્વારા ૮૩.૫૮ લાખ રૂપિયાના સોનાના બિસ્કીટ તેમજ રોકડ ૧.૩૦ લાખ અને ચાર મોબાઈલ ફોન મળી કુલ ૮૫.૨૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને આ સંદર્ભે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે તમામ ચોરીનું સોનું ખરીદનાર વેપારી જયેશભાઈ જવાહરભાઈ પાટડીયા ઓમકાર નગર દાળમીલ રોડ વાળા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અંધશ્રદ્ધામાં માનવા કરતા પહેલા પોલીસને જાણ કરવામાં આવે તો તેનો ઉકેલ લાવી શકાય છે. ચોરી થયા બાદ ઘર માલિક દ્વારા અંધશ્રદ્ધા રાખવામાં આવી હતી અને ભુવા પાસે ગયા હતાં, મહિનાઓ બાદ પણ તે કેસનો નિકાલ ન થતા અંતે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ૮૫ લાખ રૂપિયાના સોનાની ચોરીનો ભેદ ઉકેલી અને અંતે પોલીસે મૂળ માલિકને આ સોનું પરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ગુનેગારોને ઝડપી પાડી અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.